Vadodara News:વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. હાલોલ-વડોદરા રોડ પર આવેલા ભાવપુરા ગામના પાટિયા પાસે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં એક્ટિવા પર સવાર એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકની કાલીમા છવાઈ ગઈ છે.
મળતી વિગતો અનુસાર, હાલોલ-વડોદરા માર્ગ પરથી પસાર થઈ રહેલી એક પીકઅપ વાનમાં અચાનક ટેકનિકલ ખરાબી સર્જાતાં તે બંધ પડી ગઈ હતી, જેથી ચાલકે તેને રોડ પર જ પાર્ક કરી દીધી હતી. આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલ એક્ટિવા સવાર રોડ પર ઊભેલી આ પીકઅપ વાનની પાછળ ધડાકાભેર ઘૂસી ગયું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે એક્ટિવા પર સવાર પુરુષ અને મહિલા બંનેને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
અકસ્માતની જાણ થતાં જ જરોદ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં અકસ્માતમાં પ્રાણ ગુમાવનાર મહિલા અને પુરુષની ઓળખવિધિ થઈ શકી નથી. આથી જરોદ પોલીસે મૃતકોની ઓળખ છતી કરવા તેમજ તેમના પરિવારજનો સંપર્ક સાધવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
