Vadodara: દેણા બ્રિજ પર કારને બચાવવા જતાં ટ્રકનો અકસ્માત, પાછળથી લોખંડના સળિયા કેબિન ચીરીને અંદર ઘૂસી જતાં ડ્રાઈવર ફસાયો

આગળ જતી કારને ઠોકર વાગતી બચાવવા માટે અચાનક બ્રેક મારતા ટ્રકની પાછળ લદાયેલ લોખંડની એંગલો સરકીને કેબિનમાં ઘૂસી ગઈ. ફાયર વિભાગે કટરથી સ્ટીયરિંગ કાપીને ડ્રાઈવરને બહાર કાઢ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Feb 2026 04:04 PM (IST)Updated: Wed, 04 Feb 2026 04:04 PM (IST)
truck-driver-trapped-after-iron-angles-pierce-cabin-on-nh-48-near-vadodara
HIGHLIGHTS
  • અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ

Vadodara: વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર આવેલા દેણા બ્રિજ પર ફરી એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રક ચાલકે આગળ ચાલતી કારને બચાવવાનો પ્રયાસ કરતાં અચાનક બ્રેક મારતાં ટ્રકના પાછળ લદાયેલા લોખંડના એંગલો આગળ સરકી કેબિનમાં ઘૂસી ગયા હતા. આ ઘટનામાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે ફાયર વિભાગે એક કલાક સુધી કઠોર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવું પડ્યું.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, દેણા બ્રિજ પર ટ્રાફિક વચ્ચે અચાનક કાર આગળ આવતાં ટ્રક ચાલકે અકસ્માત ટાળવા બ્રેક મારી હતી. પરંતુ બ્રેક લાગતા જ ટ્રકના પાછળ રહેલા ભારે લોખંડના એંગલો આગળ ધસી આવ્યા અને સીધા કેબિનમાં ઘૂસી જતા ડ્રાઇવર બંને પગ સાથે ફસાઈ ગયો.

આ ઘટનાની જાણ થતા વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને કોલ મળતા ERC ફાયર સ્ટેશન અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર વિભાગની બંને ટીમોએ આધુનિક કટર અને રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરીને સીટ અને સ્ટિયરિંગનો ભાગ કાપી, લગભગ એક કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો હતો.

ઇજાગ્રસ્ત ટ્રક ચાલકની ઓળખ નારાયણ જગદીશ રબારી તરીકે થઈ છે. તેને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માતના કારણે નેશનલ હાઇવે-48 પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક નિયંત્રણ અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રકને રોડ પરથી હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી, ત્યારબાદ વાહનવ્યવહાર ધીમે ધીમે પુનઃ શરૂ થયો હતો.

આ અંગે ERC ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર યુવરાજદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અકસ્માતની માહિતી મળતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ડ્રાઇવર કેબિનમાં ફસાયેલો હોવાથી પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમને પણ બોલાવવામાં આવી. લોખંડના એંગલો આગળ ઘૂસી જતા સ્થિતિ ગંભીર હતી, પરંતુ સાવચેતીપૂર્વક એક કલાકની મહેનત બાદ ડ્રાઇવરને સુરક્ષિત બહાર કાઢી સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.