Congress Minister Praises Nitin Gadkari: રાજકારણીય પક્ષપાત અને રાજકીય મતભેદોથી ઉપર ઊઠીને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના કામની પ્રશંસા કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી બે દિવસીય મહત્વપૂર્ણ ચિંતન શિબિરમાં ભાગ લેવા. વડોદરા એરપોર્ટ આવી પહોંચેલા તેલંગાણાના કોંગ્રેસ સરકારના મંત્રી કોમટીરેડ્ડી વેંકટ રેડ્ડીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કામગીરીના ખુલ્લા મુખે વખાણ કર્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિંતન શિબિર
મળતી વિગતો અનુસાર, નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે દેશના માર્ગ અને પરિવહન ક્ષેત્રે વિકાસને વેગ આપવા માટે બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ભારતના સર્વાંગી વિકાસ, માર્ગ-રસ્તા, હાઈવે નેટવર્કનું વિસ્તરણ તેમજ પર્વતીય વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી અને માર્ગ વ્યવસ્થા સુધારવા અંગે ગહન મનોમંથન કરવામાં આવશે.
તેલંગાણાના નેતાએ કર્યા નિતિન ગડકરીના વખાણ
આ શિબિરમાં હાજરી આપવા માટે તેલંગાણાના મંત્રી અને સિનિયર કોંગ્રેસ નેતા કોમટીરેડ્ડી વેંકટ રેડ્ડી વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે એક અત્યંત રસપ્રદ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસી નેતા હોવા છતાં તેમણે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના માર્ગ અને હાઈવે વિકાસના કામોની મુક્ત મને સરાહના કરી હતી.
કોંગ્રેસ નેતાએ નિવેદનમાં શું કહ્યું?
તેમણે જણાવ્યું હતું કે,
સરકાર ભલે કોઈ પણ પક્ષની હોય—ભાજપની હોય કે કોંગ્રેસની, પરંતુ નીતિન ગડકરી જે રીતે દેશભરમાં માર્ગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરી રહ્યા છે તેનાથી હું ખૂબ જ પ્રભાવિત છું.
વિરોધ પક્ષના નેતા દ્વારા શાસક પક્ષના મંત્રીના કામની આ રીતે સરેઆમ પ્રશંસા કરવામાં આવતાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં આ નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યું છે.
