Vadodara News: શનિદેવ ફાઉન્ડેશન, વડોદરા અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા સતત બીજા વર્ષે ગૌરી વ્રત કરતી 1000થી વધુ કુંવારિકાઓ માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગોત્રી સ્થિત બંસલ મલ્ટીપ્લેક્સમાં જાગરણ નિમિત્તે તેમને વિનામૂલ્યે 'સિતારે જમીન પર' ફિલ્મ બતાવવામાં આવી હતી. આ દીકરીઓને કેળાની વેફર, કેળું અને પાણીની બોટલ પણ આપવામાં આવી, જેથી તેઓ આ જાગરણનો અનુભવ આનંદપૂર્વક માણી શકે. ફિલ્મ જોઈને દીકરીઓના ચહેરા પર છવાયેલી ખુશી ખરેખર જોવા જેવી હતી.
ગૌરી વ્રત, જેને 'મોળાકત વ્રત' તરીકે પણ ઓળખાય છે, તે અષાઢ સુદ તેરસથી શરૂ થઈને પાંચ દિવસ સુધી ચાલે છે. આ વ્રતમાં કુંવારિકાઓ ભગવાન ભોલેનાથ (શિવજી) અને માતા પાર્વતીની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી દીકરીઓને ભવિષ્યમાં સારો, સુયોગ્ય અને ગુણવાન વર મળે છે, તેમજ તેમના પતિના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન દીકરીઓ અનાજ અને મીઠાનો ત્યાગ કરીને માત્ર ફળ, દૂધ અને અન્ય મોળા પદાર્થોનું સેવન કરે છે. પાંચ દિવસ સુધી ચાલતું આ વ્રત કુંવારિકાઓને ધાર્મિક શ્રદ્ધા, સંયમ અને સમર્પણનો પાઠ શીખવે છે. વ્રતના છેલ્લા દિવસે, દીકરીઓ રાત્રિ જાગરણ કરી, ભજન-કીર્તન કરે છે અને ભગવાન શિવ-પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
શનિદેવ ફાઉન્ડેશનના 50 થી વધુ સ્વયંસેવકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો. શનિદેવ ફાઉન્ડેશને તમામ વાલીઓનો પણ આભાર વ્યક્ત કર્યો, જેમણે તેમના પર વિશ્વાસ મૂકીને પોતાની દીકરીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા મોકલી હતી. આ પ્રકારના કાર્યક્રમો આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવામાં મદદરૂપ થાય છે અને યુવા પેઢીને આપણા મૂલ્યો સાથે જોડી રાખે છે.
