Savli Avid Company Accident: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા (રાણિયા) વિસ્તારમાં આવેલી એવિડ કંપનીમાં કામ દરમિયાન એક અત્યંત ગંભીર અને કરુણ અકસ્માત સર્જાયો હતો. ક્રેન વડે ઊંચાઈ પર પ્લેટો ચઢાવતી વખતે બનેલી ઘટનામાં ઈજાગ્રસ્ત શ્રમિકનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કંપની પરિસરમાં ક્રેનની મદદથી આશરે 20 ફૂટની ઊંચાઈ પર પ્લાયવુડની પ્લેટો ચઢાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ છૂટી પડી ગઈ અને નીચે કામ કરી રહેલા ચંદન રજવાર નામના મજૂર પર સીધી આવી પડી હતી. 20 ફૂટ ઊંચેથી ભારે પ્લેટ માથા તથા શરીરના ભાગે પડતા ચંદન રજવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત સર્જાતા જ કંપનીના પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઉપસ્થિત અન્ય સહકર્મીઓ અને સત્તાધીશો દ્વારા ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ અત્યંત ગંભીર હોવાના કારણે ટૂંકી સારવાર દરમિયાન જ મજૂર ચંદન રજવારનું કરુણ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ થતા જ ભાદરવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. ભાદરવા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કંપનીના CCTV ફૂટેજ સહિતના અન્ય મહત્વના પુરાવા એકત્ર કરીને સમગ્ર મામલે તપાસ તેજ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ, આ ઘટનાને પગલે કંપનીમાં શ્રમિકોની સેફ્ટી અને સલામતીના નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. ઊંચાઈ પર કામ કરતી વખતે મજૂરો માટે જરૂરી સુરક્ષા સાધનો અને ક્રેન ઓપરેટિંગ દરમિયાન યોગ્ય સાવચેતી હતી કે નહીં તે અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી થઈ રહી છે. ઘટનાને પગલે સહ-કામદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
