Vadodara Vibrant Gujarat Regional Conference:વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં રૂપિયા 455 કરોડના MoU થયા,આંતરરાષ્ટ્રીય ભાગીદારીથી રોકાણને વેગ

Vadodara Vibrant Gujarat Regional Conference 2026:વડોદરામાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત માટે રોકાણ, વિકાસ અને ઔદ્યોગિક પ્રગતિના નવા દ્વાર ખોલી રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 29 Jun 2026 06:50 PM (IST)Updated: Mon, 29 Jun 2026 06:56 PM (IST)
regional-vibrant-gujarat-summit-2026-in-vadodara-mou-worth-rs-455-crore-and-international-partnerships

Vadodara Vibrant Gujarat Regional Conference 2026: વડોદરામાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત માટે રોકાણ, વિકાસ અને ઔદ્યોગિક પ્રગતિના નવા દ્વાર ખોલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં પ્રવાસન ક્ષેત્રે મોટા રોકાણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યૂહાત્મક ભાગીદારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

પ્રવાસન ક્ષેત્રે રૂપિયા 455 કરોડનું રોકાણ

કોન્ફરન્સ દરમિયાન ગુજરાત પ્રવાસન અને કામનાથ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે અંદાજે રૂપિયા 455 કરોડ રૂપિયાના રોકાણ માટે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા. આ રોકાણ અંતર્ગત રાજ્યના વિવિધ સ્થળોએ લક્ઝરી હોટેલ, રિસોર્ટ, વેલનેસ રિસોર્ટ અને ડેસ્ટિનેશન વેડિંગ જેવી આધુનિક પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે.

પ્રવાસન કમિશનર ડૉ.વિપિન ગર્ગ અને સચિવ ડૉ. કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે ગુજરાત હવે માત્ર ઐતિહાસિક સ્મારકો પૂરતું સીમિત નથી, પરંતુ 'અનુભવાત્મક અને સર્જનાત્મક પ્રવાસન' પર ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક સ્તરે અગ્રણી સ્થાન પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યું છે. હેરિટેજ નિષ્ણાત રાધિકારાજે ગાયકવાડે સ્થાનિક સંસ્કૃતિ, હસ્તકળા અને પરંપરાઓને પ્રવાસન સાથે જોડીને પ્રવાસીઓને અનોખો અનુભવ પૂરો પાડવા પર ભાર મૂક્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયર્લેન્ડના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ પેટ્રિક ડફી સાથે ફળદાયી બેઠક કરી હતી. આ બેઠકમાં આયર્લેન્ડના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સ્કીલ ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ હતી.

આ ઉપરાંત યુક્રેનના ભારતમાં રાજદૂત ડૉ. ઓલેક્સાન્ડર પોલિશચુક સાથેની બેઠકમાં ફાર્માસ્યુટિકલ, એગ્રિકલ્ચર, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઈડ્રોજન જેવા ક્ષેત્રોમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ અંગે પરામર્શ થયો હતો. મુખ્યમંત્રીશ્રીએ યુક્રેનિયન ઉદ્યોગોને વિશ્વસનીય ભારતીય ભાગીદાર તરીકે સહયોગ આપવા ઈજન આપ્યું હતું.

વડોદરા ખાતે યોજાયેલી આ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત સરકારે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથે સાથે વૈશ્વિક સ્તરે મજબૂત આર્થિક સંબંધો બાંધવા તરફ મક્કમ ડગલાં ભર્યા છે, જે રાજ્યની લાંબા ગાળાની સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.