પ્રશાંત ગજ્જર, Raksha Bandhan 2026: ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસના પ્રતીક સમાન રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે. આવતીકાલે ઉજવાનાર આ મહાપર્વને લઈને વડોદરા શહેરના વિવિધ બજારોમાં ખરીદી માટે અદ્ભુત ઉત્સાહ અને ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરીજનોમાં તહેવારને લઈને ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
બહેનો પોતાના વ્હાલસોયા ભાઈના કાંડે રાખડી બાંધવા માટે આકર્ષક રાખડીઓની ખરીદી કરી રહી છે, તો બીજી તરફ ભાઈઓ પણ પોતાની બહેનો માટે ખાસ ભેટ-સોગાદો ખરીદવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે. રાખડી બાંધ્યા બાદ મોં મીઠું કરાવવાની પરંપરાને કારણે શહેરની જાણીતી મીઠાઈની દુકાનો પર ગ્રાહકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.
વડોદરાના રાજાશાહી સમયના જૂના અને અત્યંત જાણીતા 'દુલિરામ પેંડાવાળા'ની દુકાને આજે ખરીદારોનો અસાધારણ ઘસારો જોવા મળ્યો હતો. આ દુકાનના સ્વાદના શોખીનો માત્ર વડોદરા જ નહીં પરંતુ બહારગામથી પણ અહીં મીઠાઈ ખરીદવા માટે ખાસ આવતા હોય છે.
તહેવારોની સિઝનમાં અહીંની મીઠાઈનો સ્વાદ માણવા લોકો કલાકો સુધી રાહ જોવામાં પણ સંકોચ અનુભવતા નથી. આ ઉપરાંત શહેરના માર્કેટ ચાર રસ્તા વિસ્તારની મીઠાઈની દુકાનોમાં પણ ગ્રાહકો જાત-જાતની પરંપરાગત અને આધુનિક મીઠાઈઓની ખરીદી કરતા નજરે પડ્યા હતા.
કારેલીબાગના અમિતનગરથી ખાસ પેંડા ખરીદવા આવેલા પૂર્વીબેન પરમારે જણાવ્યું હતું કે, "રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પર ભાઈ માટે આ જ દુકાનના પેંડા લેવાનો અમારો વર્ષો જૂનો આગ્રહ રહે છે. અહીં છેલ્લાં 7-8 વર્ષથી પેંડા ખરીદવા આવીએ છીએ. લાંબી લાઇનમાં અડધો કલાક ઊભા રહેવું પડે તો પણ અહીંની શુદ્ધતા અને વર્ષોથી એકસરખી જળવાઈ રહેલી ગુણવત્તાના કારણે અમે અન્યત્ર જવાનું ટાળીએ છીએ."
રસપ્રદ વાત એ છે કે માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ પુરુષ વર્ગમાં પણ આ સ્વાદ પ્રત્યેનો પ્રેમ અકબંધ છે. વારસિયાથી પેંડા લેવા આવેલા હરીશભાઈ સિંધીએ જણાવ્યું હતું કે, "વડોદરાની આ ઐતિહાસિક દુકાનનો ઇતિહાસ રાજાશાહી સમયથી જાણીતો છે. ઉત્તમ ગુણવત્તા અને બેજોડ સ્વાદને કારણે આજે પણ લોકો ૨૦થી ૩૦ મિનિટ સુધી લાઇનમાં ઊભા રહીને સંતોષપૂર્વક ખરીદી કરે છે."
આ પ્રકારે વડોદરામાં રક્ષાબંધનનો આ તહેવાર અનોખા ઉત્સાહ, મીઠી યાદો અને પારંપરિક સ્વાદ સાથે ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે, જ્યાં ભાઈ-બહેનનો પ્રેમ મીઠાઈની મીઠાશ સાથે વધુ ગાઢ બની રહ્યો છે.
