PM Modi 76th Birthday Celebration, Vadodara: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરમાં સેવા, સમર્પણ અને ઉત્સાહસભર વાતાવરણ વચ્ચે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ સંગઠન, સેવાભાવી સંસ્થાઓ અને વડોદરાના નાગરિકોના સહયોગથી સમગ્ર શહેર દીપોત્સવ અને સેવાયજ્ઞમાં ઉત્સાહભેર સહભાગી બનશે.
વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે શહેરના 25 જેટલા અગ્રણી ધાર્મિક સ્થળો પર મહાદીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અટલાદરા સ્વામિનારાયણ મંદિર, સુખધામ હવેલી, વ્રજધામ હવેલી અને ગુરૂદ્વારા જેવા પવિત્ર સ્થળોએ સાધુ-સંતો અને મહંતોના સાનિધ્યમાં ખાસ દીપ પ્રાગટ્ય કરાશે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીના જણાવ્યા મુજબ, વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શહેરના ખૂણે-ખૂણે નાગરિકો પ્રાર્થના કરશે.
સુરસાગર તળાવ ખાતે ભોળાનાથની વિશાળ પ્રતિમાના સાનિધ્યમાં વિશાળ દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાશે, જ્યારે ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મહિલા મોરચા અને બહેનો દ્વારા વિશેષ દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરના નાગરિકો પણ પોતાના ઘરોમાં દીવા પ્રગટાવીને વડાપ્રધાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરશે.
આ ઉજવણીમાં વડોદરાને મળેલા મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સને પણ આવરી લેવાયા છે. C-295 એરબસ પ્રોજેક્ટ, સેન્ટ્રલ એસ.ટી. ડેપો, પ્રતાપનગર રેલવે સ્ટેશન અને એમ.એસ. યુનિવર્સિટી જેવા સ્થળો પર દીપ પ્રાગટ્યના કાર્યક્રમ યોજીને શહેરની વિકાસયાત્રાનો ઉત્સવ મનાવશે. વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીને માત્ર ઉત્સવ પૂરતી સીમિત ન રાખતા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સાંકળવામાં આવી છે.
સંસ્થાઓના સહયોગથી રક્તદાન શિબિર યોજાશે, તેમજ અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા અને અંગદાનનો સંકલ્પ લેવા માટેના વિશેષ કાર્યક્રમ પણ યોજાશે. સાથોસાથ, શહેરની શાળાઓના 25 હજારથી વધુ વિદ્યાર્થીઓને જોડીને "વિકસિત ભારત" અને "સેવાકીય યોજનાઓ" જેવા વિષયો પર ભવ્ય ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને વિકાસ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવશે.
