GSRTC Festival Travel Eco Initiative: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના સફળ નેતૃત્વના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત રાજ્યભરમાં એક માસ સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા એક પર્યાવરણલક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે, જેમાં તહેવારો અને મેળાઓ દરમિયાન 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓની સુરક્ષિત મુસાફરીની વ્યવસ્થા સાથે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે યાત્રિકોને નિઃશુલ્ક બાયોડિગ્રેડેબલ બેગ્સનું વિતરણ કરવામાં આવશે.
સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામે પર્યાવરણલક્ષી પહેલ
વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણ માળીએ આ પર્યાવરણીય પહેલ અંગે જણાવ્યું હતું કે, ધાર્મિક સ્થળો કે મેળાઓમાં આવતા જે પણ યાત્રિકો સિંગલ-યુઝ પ્લાસ્ટિક લાવશે, તેમને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે GSRTC દ્વારા નિઃશુલ્ક બાયોડિગ્રેડેબલ બેગ્સનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વના 25 વર્ષ અને જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલી આ પ્રવૃત્તિ હેઠળ આ સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.
15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે પરિવહન વ્યવસ્થા
ગાંધીનગર ખાતે GSRTCની કામગીરીને બિરદાવતા મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ GSRTC પોતાની મુસાફર સેવાઓનો વ્યાપ સતત વધારી રહ્યું છે. રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓ અને તહેવારો દરમિયાન 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોની સુરક્ષિત તથા સુચારૂ મુસાફરીનું સંચાલન કરવા નિગમ સંપૂર્ણ રીતે તત્પર છે. આ ઉત્કૃષ્ટ સેવાથી રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રાળુઓની મુસાફરી વધુ આરામદાયક અને સુગમ બનશે.
ડ્રાઈવરો, કંડક્ટરો અને સ્ટાફની કામગીરીની સરાહના
15 લાખ જેટલા યાત્રિકો અને મુસાફરોની નિષ્ઠાપૂર્વક સેવા કરવા બદલ અને વ્યવસ્થા જાળવવા બદલ વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણ માળીએ GSRTC વિભાગના તમામ ડ્રાઈવરો, કંડક્ટરો તેમજ સમગ્ર સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
