Bhadarvi Poonam Mela 2026: અંબાજી ભાદરવી પૂનમના મેળા માટે GSRTC સજ્જ, શ્રદ્ધાળુઓની ભીડને પહોંચી વળવા 6 હજાર વધારાની બસો દોડાવાશે

મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે વિવિધ રૂટો પર અંદાજે 30,000 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ્સનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેથી પદયાત્રીઓ અને અન્ય યાત્રાળુઓ સરળતાથી અંબાજી પહોંચી શકે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 16 Sep 2026 03:34 PM (IST)Updated: Wed, 16 Sep 2026 03:34 PM (IST)
ambaji-bhadarvi-poonam-mela-2026-6000-extra-gsrtc-buses-for-devotees

Ambaji Bhadarvi Poonam Mela 2026: મા અંબાના ધામમાં ભાદરવી પૂનમના મહામેળો 2026 યોજાવા જઇ રહ્યો છે. અત્યારથી જ શ્રદ્ધાળુઓ અંબાજી ઉમટી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આસ્થાના આ પવિત્ર મહોત્સવ દરમિયાન મુસાફરોને કોઈ હાલાકી ન પડે તે માટે નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાંથી વિશેષ બસ સેવાઓ દોડાવવામાં આવશે.

30,000 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ્સનું આયોજન

મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની પરિવહન સંબંધિત મુશ્કેલી ન નડે તે માટે GSRTC દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત સમગ્ર મેળાદરમિયાન યાત્રાળુઓની સુવિધા માટે 6,000 વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત, મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે વિવિધ રૂટો પર અંદાજે 30,000 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ્સનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેથી પદયાત્રીઓ અને અન્ય યાત્રાળુઓ સરળતાથી અંબાજી પહોંચી શકે.

4,000થી વધુ કર્મચારીઓ 24×7 ફરજ પર રહેશે

યાત્રાધામ અંબાજી તરફ જતા માર્ગો પર મુસાફરોને મદદરૂપ થવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે GSRTC દ્વારા 4,000થી વધુ ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક, સુપરવાઈઝર અને ઉચ્ચ અધિકારીઓ સતત 24×7 ફરજ પર તૈનાત રહેશે. આ કર્મચારીઓ વિવિધ પોઈન્ટ્સ પર રહીને મુસાફરોની સુરક્ષા અને બસ સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.

યાત્રાળુઓ પોતાની મુસાફરીનું આયોજન સરળતાથી કરી શકે તે માટે GSRTC દ્વારા વિવિધ ડિજિટલ માધ્યમો અને હેલ્પલાઇન કાર્યરત છે. મુસાફરો નિગમની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in પર જઈને પરિવહન અંગેની સંપૂર્ણ માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત, મોબાઈલ વપરાશકર્તાઓ માટે 'GSRTC Official App' ની સુવિધા પણ  છે. મુસાફરોની પૂછપરછ અને સહાયતા માટે નિગમના ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર સંપર્ક કરી શકે છે.