20 વર્ષની લાંબી રાહનો અંત, પીએમ મોદી આજે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના બાકીના સેક્શનનું કર્યું ઉદ્ઘાટન, નેટવર્ક પૂર્ણ

20 વર્ષ બાદ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ પૂર્ણ. પીએમ મોદી WDFCના બાકીના ભાગોનું ઉદ્ઘાટન કરશે, જેનાથી લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે અને માલવાહક ટ્રેનો ઝડપી બનશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 08 Sep 2026 07:53 PM (IST)Updated: Tue, 08 Sep 2026 07:53 PM (IST)
pm-modi-inaugurates-remaining-dfc-sections-project-complete

Dedicated Freight Corridor Launch PM Modi: ભારતીય રેલવેના ઈતિહાસમાં આજે એક નવો સ્વર્ણિમ અધ્યાય ઉમેરાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2006માં મંજૂર કરવામાં આવેલા મહત્વાકાંક્ષી 'ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર' (DFC) પ્રોજેક્ટના મંજૂરીના આશરે બે દાયકા (20 વર્ષ) બાદ, દેશનો પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારને જોડતો અલાયદો માલવાહક રેલ નેટવર્ક પ્રોજેક્ટ મંગળવારે સંપૂર્ણપણે ઓપરેશનલ થઈ ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (WDFC)ના બાકી રહેલા ત્રણ મહત્વના સેક્શનનું ભવ્ય ઉદ્ઘાટન કરી તેને રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. આ સાથે જ ભારત પાસે હવે માલગાડીઓ માટે વિશ્વ કક્ષાનું સ્પેશિયલ રેલ નેટવર્ક ઉપલબ્ધ થઈ ગયું છે.

રૂ. 20,700 કરોડના ખર્ચે તૈયાર થયા નવા ત્રણ સેક્શન

વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, પીએમ મોદીએ જે ત્રણ નવા રૂટ રાષ્ટ્રને સોંપ્યા છે તેમાં:

  • ન્યૂ સાણંદ થી ન્યૂ મકરપુરા
  • ન્યૂ અંબરગાંવ થી ન્યૂ સફાલે
  • ન્યૂ સફાલે થી ન્યૂ JNPT

કુલ 326 કિલોમીટર લાંબા આ ત્રણેય સેક્શન રૂ. 20,700કરોડથી વધુના જંગી રોકાણ સાથે તૈયાર કરવામાં આવ્યા છે.

દાદરી ખાતે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કોરિડોરનું મહાસંગમ

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) ને ઉત્તર પ્રદેશના દાદરી સાથે સીધું જોડે છે. દાદરી ખાતે આ રૂટ 'ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર' (EDFC) સાથે મળી જાય છે, જેનાથી દેશનો મુખ્ય ફ્રેટ રેલવે રૂટ એકબીજા સાથે કનેક્ટ થઈ ગયો છે.

અગાઉ EDFCમાં પંજાબના લુધિયાણાથી પશ્ચિમ બંગાળના સોનનગર સુધીનો 2,843 કિલોમીટરનો નેટવર્ક ચાલુ કરી દેવાયો હતો. આજે WDFC પૂર્ણ થતાં જ દેશના તમામ મોટા ઔદ્યોગિક હબ, મેન્યુફેક્ચરિંગ સેન્ટર અને બંદરો સીધા રેલવે લાઈનથી જોડાઈ ગયા છે.

દેશની અર્થવ્યવસ્થા અને લોજિસ્ટિક્સને શું ફાયદો થશે?

ઝડપી ઈમ્પોર્ટ-એક્સપોર્ટ: જવાહરલાલ નેહરુ પોર્ટ (JNPT) સાથે સીધું કનેક્શન મળવાથી વિદેશથી આવતા અને દેશમાંથી નિકાસ થતા માલ-સામાનની હેરફેર બમણી ઝડપે થશે.

લોજિસ્ટિક્સ કોસ્ટમાં ઘટાડો: ભારતમાં માલસામાનના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘણો ઊંચો રહે છે. DFC ચાલુ થવાથી ટ્રાન્સપોર્ટ સમય અને ખર્ચ બંનેમાં નોંધપાત્ર ઘટાડો થશે.

મુંબઈ લોકલ અને પેસેન્જર ટ્રેનોને રાહત: માલગાડીઓ માટે અલગ ટ્રેક બની જતાં સામાન્ય પેસેન્જર રેલવે લાઈન પરનું ભારણ ઘટશે, જેનાથી પેસેન્જર ટ્રેનો અને મુંબઈ લોકલ ટ્રેનોની સ્પીડ તેમજ સમયપાલન સુધરશે.

2014 પછી પ્રોજેક્ટમાં આવી ઝડપ: અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઐતિહાસિક સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે, 2014 પહેલા આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર હતો અને જમીન પર કોઈ નક્કર કામ થયું નહોતું. એનડીએ સરકારે જમીન સંપાદન, પર્યાવરણીય મંજૂરીઓ અને વહીવટી અડચણો દૂર કરીને આ પ્રોજેક્ટને મિશન મોડમાં પૂરો કર્યો છે.

આંકડાની નજરે DFCની સફળતા

રેલવેના આંકડા મુજબ, ઓગસ્ટ 2026 સુધીમાં DFCના આંશિક રૂટ પર જ આશરે 5.2 લાખ માલગાડીઓ દોડી ચૂકી છે (એવરેજ દરરોજ 435 ટ્રેન). આ નેટવર્કે અત્યાર સુધીમાં 658 બિલિયન ગ્રોસ ટન કિલોમીટર અને 360 બિલિયન નેટ ટન કિલોમીટરનું માલવહન સફળતાપૂર્વક પૂરું કર્યું છે, જે ભારતની વધતી આર્થિક ક્ષમતાનો પુરાવો છે.