Vadodara News:વડોદરામાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનો મારફતે થઈ રહેલી ડ્રગ્સની હેરાફેરી સામે ડીઆરઆઈ એ લાલ આંખ કરી છે. અમૃતસરથી મુંબઈ (બાંદ્રા ટર્મિનસ) જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં હાથ ધરાયેલા એક ગુપ્ત ઓપરેશન દરમિયાન DRIની ટીમે કરોડો રૂપિયાની કિંમતના માદક પદાર્થ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક નાઇજીરિયન મહિલાની અટકાયત કરી છે. આ દરોડાથી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો અને રેલવે તંત્રમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
મળતી વિગતો અનુસાર, DRIની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમૃતસર-બાંદ્રા પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં એક વિદેશી મહિલા ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થનો જથ્થો લઈને પ્રવાસ કરી રહી છે. આ બાતમીને આધારે DRIની ટીમે ટ્રેન વડોદરા નજીક પહોંચતા જ ચાલુ ટ્રેનમાં જઈને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
તપાસ દરમિયાન શકમંદ જણાતાં એક નાઇજીરિયન મહિલાની તલાશી લેવામાં આવી હતી, જેમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. DRIની ટીમે તાત્કાલિક ધોરણે મહિલાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને વડોદરા આરપીએફ પોલીસ મથકે લાવવામાં આવી હતી.
FSLની મદદથી ડ્રગ્સની ચકાસણી
કબ્જે કરવામાં આવેલા શંકાસ્પદ નશાકારક પદાર્થની ચોક્કસ ઓળખ અને ગુણવત્તા ચકાસવા માટે DRI દ્વારા એફએસએલ ની ટીમની મદદ લેવામાં આવી હતી. FSLની પ્રાથમિક તપાસમાં આ જથ્થો ઘાતક MD ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થયું હતું. કબ્જે કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.
આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને મુંબઈમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં DRI અને સ્થાનિક એજન્સીઓએ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે મહિલાના તાર જોડાયેલા છે કે કેમ તે અંગે પણ પૂછપરછ ચાલુ છે.
