Navnath Mahadev Temples: વડોદરા શહેરનો ઇતિહાસ અને તેની ધાર્મિક ઓળખ કંઈક અલગ જ છે. 'શિવનગરી' તરીકે પ્રખ્યાત વડોદરામાં વર્ષના 365 દિવસ શિવ આરાધના અવિરત ચાલુ રહે છે. વડોદરાના નવનાથ મંદિરોનો ઇતિહાસ ઋષિ વિશ્વામિત્ર જેટલો જ પ્રાચીન માનવામાં આવે છે. વડોદરાની ચારેય દિશામાં આવેલા ભગવાન શિવને સમર્પિત આ 9 પવિત્ર મંદિરોનો સમૂહ છેલ્લા હજારો વર્ષોથી શહેર અને આ પ્રદેશની રક્ષા કરી રહ્યો હોવાની દ્રઢ લોકવાયકા છે.
કાશી બાદ વડોદરામાં સૌથી વધુ શિવાલયો
વડોદરાના રક્ષક દેવ તરીકે નવનાથ મહાદેવ પૂજાય છે. કહેવાય છે કે, કાશી પછી ભારતમાં સૌથી વધુ શિવાલયો વડોદરામાં આવેલા છે. શહેરમાં અંદાજે 1700 જેટલાં શિવાલયો આવેલાં છે. આ શહેરની ઓળખ 'નવનાથ નગરી' તરીકે પણ થાય છે, કારણ કે આ 9 શિવાલયો શહેરની ફરતે એક સુરક્ષા કવચ પૂરું પાડે છે. શ્રાવણ માસમાં કાવડયાત્રા અને પગપાળા દર્શનનું અહીં વિશેષ મહત્ત્વ રહેલું છે.
નવનાથ મંદિરોનો ઇતિહાસ કેટલો પ્રાચીન છે?
વડોદરા શહેરનો ઇતિહાસ દ્વાપરયુગ સાથે જોડાયેલો છે. વિશ્વામિત્રી નદી અને ગાયત્રી મંત્રની ભેટ ઋષિ વિશ્વામિત્રે આ જ ભૂમિ પરથી આપી હતી. વડોદરાના પાવાગઢથી કાયાવરોહણ સુધીનો વિસ્તાર અગાઉ 'શંકરવન' તરીકે ઓળખાતો હતો.
સ્થાનિક માન્યતા મુજબ, ઋષિ વિશ્વામિત્રે તેમની તપસ્યા દરમિયાન આ મંદિરોની સ્થાપના કરી હતી. સમય જતાં 19મી સદીના મધ્યભાગમાં (વર્ષ 1850 થી 1875 દરમિયાન) ગાયકવાડ શાસકોએ નાથ સંપ્રદાયના એક પૂજનીય સાધુના આશીર્વાદથી આ મંદિરોનો મોટા પાયે વિકાસ કર્યો હતો. મહારાજા સયાજીરાવ દ્વિતીયે આ પવિત્ર સ્થળોના જીર્ણોદ્ધારમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ તમામ 9 મંદિરોની સૌથી મોટી વિશેષતા શું છે?
ભારતમાં અન્ય કોઈ શિવમંદિરોમાં જોવા ન મળે તેવી એક અનોખી વિશેષતા આ નવનાથ મંદિરોમાં છે. અહીં તમામ 9 મંદિરોના ગર્ભગૃહમાં શિવલિંગની બરાબર પાછળ માતા પાર્વતીની એકસરખી 4 હાથવાળી પ્રતિમા સ્થાપિત છે.
સંતો અને શાસ્ત્રોના જાણકારોના મત અનુસાર, આ પ્રતિમા બ્રહ્માંડનું પાલનપોષણ કરતી શક્તિનું સાચું સ્વરૂપ છે. માતાજીના એક હાથમાં જમણી સૂંઢવાળા ગણપતિજી (વિઘ્નહર્તા અને કલ્યાણકારી શક્તિ) બિરાજે છે, જ્યારે બીજા હાથમાં શિવલિંગ (કરુણા અને સંહાર બંનેનું પ્રતીક) ધારણ કરેલું છે.
વડોદરાના 'નવનાથ' કયા છે અને તેમનું મહત્ત્વ શું છે?
1. સિદ્ધનાથ મહાદેવ
ખંડેરાવ માર્કેટ પાસે આવેલા આ મંદિર નજીક એક પવિત્ર તળાવ અને વાવ છે. માન્યતા છે કે અહીં ઋષિ-મુનિઓ અને શંકરાચાર્ય પણ સ્નાન કરતા હતા. ભક્તોની મનોકામના અહીં 'સિદ્ધ' થતી હોવાથી આ નામ પડ્યું છે.
2. રામનાથ મહાદેવ
ગાજરાવાડી વિસ્તારમાં તળાવ અને સ્મશાન નજીક સ્થિત આ મંદિરમાં સ્વયં ભગવાન શ્રીરામે મહાદેવનો અભિષેક કર્યો હોવાની લોકવાયકા છે.
3. ઠેકરનાથ મહાદેવ
ફતેપુરામાં આવેલા આ મંદિરમાં 2 શિવલિંગ અને 2 ગુંબજ છે. તે ખેડાવાળ બ્રાહ્મણોના આરાધ્ય દેવ છે. અહીં ઉપાસના કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે.
4. મોટનાથ મહાદેવ
હરણી વિસ્તારમાં આવેલા આ મંદિરમાં પાંડવોએ ભગવાન શિવની આરાધના કરી હોવાની માન્યતા છે. અહીં પૂજા કરવાથી મન સાત્વિક બને છે.
5. કામનાથ મહાદેવ
કમાટી બાગ (સયાજીબાગ) પાછળ વિશ્વામિત્રી નદીના કિનારે આ મંદિર આવેલું છે. અહીં ગર્ભગૃહમાં 7 ફૂટ નીચે ઉતરીને જવું પડે છે. અહીં વિશ્વામિત્ર ઋષિનો તપોભંગ થયો હતો અને તેમની કામના પૂર્ણ થઈ હોવાથી તે કામનાથ કહેવાયા.
6. ભીમનાથ મહાદેવ
સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી કિનારે સ્મશાન પાસે આવેલા આ મંદિરનો ઇતિહાસ હિડિંબા અને ભીમના લગ્ન સાથે જોડાયેલો છે.
7. કાશી વિશ્વેશ્વર મહાદેવ
જેતલપુર ચાર રસ્તા પાસે આવેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર ગોપાલરાવ મૈરાળે કરાવ્યો હતો. અહીં દર્શન કરવાથી આંતરિક શાંતિનો અનુભવ થાય છે.
8. જાગનાથ મહાદેવ
કલાલી ગામ નજીક આવેલું આ મંદિર અગાઉ 'યજ્ઞનાથ' તરીકે ઓળખાતું હતું. લોકકથા મુજબ રાજકુમાર ત્રિશંકુએ અહીં યજ્ઞ કરીને સદેહે સ્વર્ગની પ્રાપ્તિ કરી હતી.
9. કોટનાથ મહાદેવ
વડસર ગામમાં સ્મશાન નજીક આવેલા આ મંદિરના ગર્ભગૃહમાં 2 શિવલિંગ સ્થાપિત છે. અહીં દર્શનથી મનુષ્ય કલ્યાણના માર્ગે આગળ વધી અંતે મોક્ષ પામે છે તેવી શ્રદ્ધા છે.
