Vadodara News:છેલ્લા 40 વર્ષથી સંગીતની સાધના દ્વારા મા અંબાની આરાધના કરતા ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર વિજેતા સુપ્રસિદ્ધ સિંગર અને સંગીતકાર સનત પંડ્યા આ વર્ષે મા અંબાના ભક્તો અને સંગીતપ્રેમીઓ માટે એક વિશેષ નવો ગરબો લઈને આવ્યા છે. હેમા પંડ્યા લિખિત અને સનત પંડ્યા દ્વારા કમ્પોઝ કરાયેલો ગરબો ‘રૂમઝૂમ પગલે આવો મોરી માં, માં તને ઝાઝી ખમ્મા...’ આ નવરાત્રિમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
બરોડા સિટિઝન કાઉન્સિલ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ ૨૦૨૬માં સનત પંડ્યા અને તેમના ગ્રૂપના તાલે 4 થી 16 વર્ષના આશરે 3000 જેટલા બાળકો ગરબે ઘૂમશે. આ ભવ્ય આયોજન વડોદરાના ઐતિહાસિક એલેમ્બિક ક્રિકેટ મેદાન ખાતે કરવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપતાં સિનિયર સંગીતકાર સનત પંડ્યાએ જણાવ્યું હતું કે, "આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના અતિશય વપરાશને કારણે નાની વયના બાળકો ભારતીય સંસ્કૃતિથી દૂર થઈ રહ્યા છે. બાળકોને નાનપણથી જ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને ગરબાનું સાચું મહત્વ સમજાય તે હેતુથી આ વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે." શિક્ષણ ક્ષેત્રે ૪૦ વર્ષનો દીર્ઘ અનુભવ ધરાવતા તેમના ધર્મપત્ની હેમા પંડ્યાના શબ્દોને સનત પંડ્યાએ પોતાના સંગીતથી મધુર રૂપ આપ્યું છે.
બાળકોના ઉત્સાહને વધારવા માટે એલેમ્બિક ક્રિકેટ મેદાન ખાતે યોજાનારા આ ગરબા મહોત્સવમાં દરરોજ ખેલૈયા બાળકોને વિશિષ્ટ અને આકર્ષક ઈનામો આપવામાં આવશે. આ ઉપરાંત, નવરાત્રિના અંતિમ દિવસે વિજેતા બાળકો માટે બંપર પ્રાઈઝનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.સંસ્કારી નગરી વડોદરામાં બાળકો માટેનું આ આયોજન સંસ્કૃતિના જતન સાથે નવરાત્રિના પવિત્ર પર્વની ભક્તિમય ઉજવણીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડશે.
