Vadodara News:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સંસ્કારી નગરી વડોદરા ખાતે એક ભવ્ય અને યાદગાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં ‘સમર્પણ યાત્રા’ અને વિશેષ ગરબા મહોત્સવ ધામધૂમથી યોજાશે, જેમાં સમગ્ર શહેર અને જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાશે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ યુનાઇટેડ વે ના ગરબા મેદાન ખાતે એક વિશાળ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ છે કે આગામી ૭ તારીખે હજારો ખેલૈયાઓ અને મહિલાઓ દ્વારા ગરબાના સ્વરૂપમાં એક વિશાળ માનવ સાંકળ (Human Chain) રચવામાં આવશે. આ અનોખી માનવ સાંકળ થકી એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાનો ઐતિહાસિક પ્રયાસ હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે શહેર અને જિલ્લાભરમાંથી ઉપસ્થિત રહેનારી હજારો મહિલાઓ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણ માટેના વિશેષ ‘સેવા સંકલ્પ’ લેશે. આ સાથે જ, ઉપસ્થિત તમામ નાગરિકો વડાપ્રધાન મોદીના 'વિકસિત ભારત'ના મહા અભિયાનમાં સક્રિયપણે જોડાવા અને દેશને આગળ લઈ જવા માટેના દ્રઢ સંકલ્પ ગ્રહણ કરશે.
સંસ્કારી નગરીના નાગરિકો આ ભવ્ય ઉજવણીનો સંગીતમય આનંદ માણી શકે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ ગરબા ગાયક અતુલ પુરોહિતના ગરબાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.
આ સમર્પણ યાત્રા અને ગરબા મહોત્સવ વડોદરા માટે એક અનોખો ઉત્સવ બની રહેશે, જેમાં ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમનો ત્રિવેણી સંગમ જોવા મળશે. તંત્ર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યાપક તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
