Vadodara News:ખંડેરાવ માર્કેટમાં પાલિકાનું સપાટો; કાર્બાઈડથી કેરી પકવતા અને ગંદકી કરતા 7 વેપારીને નોટિસ, હજારોની પેનલ્ટી વસૂલાઈ

આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આરોગ્ય વિભાગને કડક પગલાં ભરવાની સૂચના આપી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 22 May 2026 11:21 PM (IST)Updated: Fri, 22 May 2026 11:21 PM (IST)
municipality-crackdown-in-khanderao-market-notices-issued-to-7-traders-for-ripening-mangoes-with-carbide-and-causing-pollution

Vadodara News: ઉનાળાની સિઝન જામતાની સાથે જ બજારમાં ફળોના રાજા ગણાતી કેરીની ધૂમ આવક શરૂ થઈ ગઈ છે. જોકે, વધુ નફો કમાઈ લેવાની લાલચે કેટલાક વેપારીઓ દ્વારા સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવા કેમિકલ અને કાર્બાઈડનો ઉપયોગ કરીને કેરી પકવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આરોગ્ય વિભાગને કડક પગલાં ભરવાની સૂચના આપી હતી. કમિશનરની સૂચના મળતા જ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને શહેરના મુખ્ય ફ્રુટ માર્કેટ એવા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં વ્યાપક દરોડા પાડ્યા છે.

વખારો અને લારીઓ પર વ્યાપક ચેકિંગ હાથ ધરાયું

મળતી માહિતી મુજબ, કોર્પોરેશનના આરોગ્ય વિભાગની સાથે માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત ટીમો દ્વારા આજે સવારથી જ ખંડેરાવ માર્કેટ ગુરુદ્વારાથી નવાપુરા તરફના રોડ પર તેમજ ખંડેરાવ માર્કેટની પાછળ આવેલી વિવિધ કેરીની વખારો (ગોડાઉનો) ખાતે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત ધનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન અધિકારીઓએ કેરીને કુદરતી રીતે પકવવામાં આવી છે કે કેમિકલથી, તેની ઝીણવટભરી તપાસ કરી હતી. આ ઉપરાંત, માર્કેટ વિસ્તારમાં છૂટક ફ્રુટ વેચતા દુકાનદારો અને લારી ધારકોને ત્યાં પણ ફૂડ સેફ્ટીના નિયમો અંગે કડક તપાસ કરવામાં આવી રહી છે.

ગંદકી અને ફૂડ સેફ્ટીના નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી

આરોગ્ય વિભાગની ટીમ જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે કાર્બાઈડના વપરાશની સાથે-સાથે માર્કેટની આજુબાજુના વિસ્તારોમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું. જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે લાલઆંખ કરીને પાલિકાની ટીમે ફૂડ સેફ્ટી એક્ટ તથા અન્ય નિયમોના ઉલ્લંઘન બદલ અત્યાર સુધીમાં સાત (૭) જેટલા વેપારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે.