Vadodara: MSU આર્ટ્સ ફેકલ્ટી અશ્લીલ વીડિયો કેસ, વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર માફી માંગી અને તપાસ કમિટી સમક્ષ નિવેદન નોંધાવ્યું

MS યુનિના ક્લાસરુમમાં વાયરલ વીડિયોને પગલે વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર માફી માંગી અને સ્પેશિયલ તપાસ કમિટી સમક્ષ હાજર થઈ નિવેદન નોંધાવ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 12 Sep 2026 01:57 PM (IST)Updated: Sat, 12 Sep 2026 01:57 PM (IST)
msu-arts-faculty-obscene-video-case-student-apology-inquiry-committee-statement

Vadodara News: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ની વિશ્વપ્રસિદ્ધ આર્ટ્સ ફેકલ્ટીના ક્લાસરૂમમાં અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ થવાના ચર્ચસ્પદ મામલે મોટો વળાંક આવ્યો છે. ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે વિવાદ અને આક્રોશ ઊભો થતાં સંડોવાયેલી વિદ્યાર્થિનીએ જાહેર માફી માંગી છે અને યુનિવર્સિટી દ્વારા રચાયેલી તપાસ કમિટી સમક્ષ હાજર થઈ પોતાનું નિવેદન નોંધાવ્યું છે.

ક્લાસરુમમાં બનેલી ઘટના અંગે વિદ્યાર્થિનીએ માફી માંગી

મળતી માહિતી મુજબ, આર્ટ્સ ફેકલ્ટીના ક્લાસરૂમમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં યુનિવર્સિટી સત્તાધીશો અને વિદ્યાર્થી આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. વિવાદ વધતાં વિદ્યાર્થિનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને "I am sorry for my actions" કહીને પોતાની ભૂલનો એકરાર કર્યો હતો અને સાર્વજનિક માફી માંગી હતી.

યુનિ. તંત્રે સ્પેશિયલ તપાસ કમિટીની રચના કરી

દરમિયાન, યુનિવર્સિટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે એક સ્પેશિયલ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી સમક્ષ વિદ્યાર્થિની જાતે હાજર થઈ હતી, જ્યાં તપાસ અધિકારીઓ દ્વારા ઘટના સંદર્ભે તેનું વિગતવાર નિવેદન લેવામાં આવ્યું હતું. કમિટી હવે આ મામલે આગળનો અહેવાલ તૈયાર કરી યુનિવર્સિટી સંચાલકોને સોંપશે.

સ્પેશિયલ સ્કવોડ ક્લાસરુમમાં નજર રાખશે

શિક્ષણના ધામ ગણાતી MSUની ગરિમાને ઝાટકો પહોંચાડતી આ ઘટના બાદ યુનિવર્સિટી પ્રશાસન હરકતમાં આવ્યું છે. ફેકલ્ટી કેમ્પસમાં ભવિષ્યમાં આવી કોઈ પણ અસંસ્કૃત કે અશ્લીલ ઘટનાઓ ન બને તે માટે યુનિવર્સિટીમાં એક ‘સ્પેશિયલ સ્ક્વોડ’ તહેનાત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્ક્વોડ કેમ્પસ અને ક્લાસરૂમ્સ પર સતત નજર રાખશે. આ ઘટનાને પગલે શૈક્ષણિક સંકુલોમાં શિસ્ત અને નૈતિકતા જાળવવા અંગે ફરી એકવાર ગંભીર ચર્ચાઓ જાગી છે.