Vadodara MSU Viral Video: સંસ્કારી નગરી ગણાતા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી શિસ્તભંગ અને અશોભનીય ઘટનાને કારણે વિવાદમાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં એક્સપરિમેન્ટલ સ્કૂલ બહાર એક કપલ જાહેરમાં કિસ કરી વાંધાજનક હરકતો કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. શૈક્ષણિક ધામમાં આવી પ્રવૃત્તિ સામે આવતા જ વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.
વીડિયો વાયરલ થયા બાદ MS યુનિવર્સિટીના સત્તાધીશો દોડતા થયા છે. જોકે, વીડિયોમાં દેખાતા યુવક-યુવતી એમ.એસ. યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ છે કે બહારના વ્યક્તિ, તે અંગે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે યુનિવર્સિટીના PRO હિતેશ રાવિયાએ જણાવ્યું હતું કે, હજુ સુધી આ બાબત મારા ધ્યાને આવી નથી, પરંતુ સમગ્ર વીડિયો અંગે તપાસ કર્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો
નોંધનીય છે કે, એમ.એસ. યુનિવર્સિટીમાં આવી ઘટના પહેલીવાર નથી બની. આ અગાઉ ઓક્ટોબર 2025 માં આર્ટ્સ ફેકલ્ટીના વર્ગખંડમાં તેમજ કોમર્સ ફેકલ્ટીના પાર્કિંગમાં કપલની અશોભનીય હરકતોનો વીડિયો વાયરલ થતાં ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવી પડી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2026માં પણ વર્ગખંડમાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ રહી છે.
કેમ્પસમાં સિક્યુરિટી ગાર્ડ્સ અને સુરક્ષા કર્મચારીઓની સતત હાજરી હોવા છતાં આ પ્રકારની ઘટનાઓ કેવી રીતે બની રહી છે તે મોટો પ્રશ્ન છે. વારંવારના વિવાદો છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા શિસ્ત જાળવવા માટે કોઈ સખત પગલાં લેવામાં આવતા નથી તેવો આક્ષેપ પણ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે વાયરલ વીડિયો મામલે તંત્ર દોષિતો સામે કેવા કડક પગલાં ભરે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા કેવા સુરક્ષાત્મક ફેરફાર કરે છે.
