માંજલપુર દુર્ઘટના: ખુલ્લી ગટરે યુવકનો ભોગ લેતા VMC એક્શન મોડમાં; જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી

આ ઘટના બાદ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ખુલ્લા પડેલા મેનહોલ અને જોખમી રસ્તાઓ અંગે સવાલો ઉઠી રહ્યા છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 28 Dec 2025 03:37 PM (IST)Updated: Sun 28 Dec 2025 03:37 PM (IST)
manjalpur-tragedy-vmc-issues-notice-to-responsible-officials-after-youth-dies-in-open-drain-663524

Vadodara News: વડોદરાના માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરના મેનહોલમાં પડી જવાથી એક આશાસ્પદ યુવકના મોતના મામલે વડોદરા મહાનગર પાલિકા (VMC) એ આખરે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. તંત્રની બેદરકારીના કારણે વિપુલસિંહ ઝાલા નામના યુવકનું મોત નિપજતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો, જેના દબાણ હેઠળ પાલિકાએ ઇજારદારને બ્લેકલિસ્ટ કરી પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

માંજલપુર વિસ્તારમાં રહેતા વિપુલસિંહ ઝાલા પોતાના રોજિંદા માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અંધારામાં કે અન્ય કોઈ કારણસર રસ્તા પર ખુલ્લા અને બિનસુરક્ષિત ગટર મેનહોલનો અંદાજ આવ્યો નહોતો. તેઓ સીધા ગટરમાં ખાબક્યા હતા અને ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે તેમનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાએ પાલિકાના પ્રી-મોન્સૂન અને મેન્ટેનન્સની કામગીરીના દાવાઓની પોકળતા છતી કરી દીધી હતી.

ઇજારદાર સામે ‘સર્જિકલ સ્ટ્રાઈક’

ઘટનાની ગંભીરતા અને નાગરિકોના આક્રોશને જોતા વડોદરા મહાનગર પાલિકાએ તાત્કાલિક અસરથી મેન્ટેનન્સની જવાબદારી સંભાળતી એજન્સી ‘ઈકોફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસ’ ને બ્લેકલિસ્ટ કરી દીધી છે. આટલું જ નહીં, પાણી પુરવઠા વિભાગે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરતા ઇજારદાર રાહુલ શર્મા વિરુદ્ધ સંબંધિત પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે, જેથી ભવિષ્યમાં કોઈ ઇજારદાર આવી ગંભીર બેદરકારી ન દાખવે.

અધિકારીઓ પણ રડારમાં

માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં, પણ જેમના માથે સુપરવિઝનની જવાબદારી હતી તેવા સરકારી બાબુઓ સામે પણ તવાઈ આવી છે. દક્ષિણ ઝોનના પાણી પુરવઠા વિભાગના સુપરવિઝન અધિકારી અને આસિસ્ટન્ટ ઇજનેર અતુલ ભલગામિયાને ‘કારણ દર્શક નોટિસ’ (Show Cause Notice) ફટકારવામાં આવી છે. યોગ્ય દેખરેખના અભાવે માનવ જિંદગી જોખમાઈ તે બદલ તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.

શહેરીજનોમાં આક્રોશ

આ ઘટના બાદ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ખુલ્લા પડેલા મેનહોલ અને જોખમી રસ્તાઓ અંગે સવાલો ઉઠી રહ્યા છે. સામાજિક કાર્યકરો અને નાગરિકોની માંગ છે કે માત્ર નોટિસ આપવાથી કંઈ વળશે નહીં, જે પરિવારે પોતાનો પુત્ર ગુમાવ્યો છે તેને ન્યાય મળવો જોઈએ અને શહેરના તમામ જોખમી મેનહોલ 24 કલાકમાં પૂરાવા જોઈએ. માંજલપુરની આ ઘટના વડોદરા પાલિકા માટે લાલબત્તી સમાન છે. હવે જોવાનું એ રહેશે કે આ કડક કાર્યવાહી બાદ શહેરના રસ્તાઓ ખરેખર સુરક્ષિત બને છે કે કેમ.