માંજલપુરમાં બ્રોડગેજ રેલ્વે લાઈન: બિલ્લાબોંગ સ્કૂલ તરફનો રસ્તો બંધ, વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ લેવા અપીલ

માંજલપુર બ્રોડગેજ રેલ્વે ક્રોસીંગથી બિલ્લાબોંગ સ્કૂલ તરફ જતો મુખ્ય માર્ગ તાત્કાલિક રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 17 Jan 2026 03:31 PM (IST)Updated: Sat, 17 Jan 2026 03:31 PM (IST)
manjalpur-broad-gauge-railway-crossing-to-billabong-school-main-road-closed
HIGHLIGHTS
  • માંજલપુર વિસ્તારમાં બ્રોડગેજ રેલ્વે લાઇન નાખવાની કામગીરી
  • રેલ્વે ક્રોસીંગથી બિલ્લાબોંગ સ્કૂલ તરફ જતો મુખ્ય માર્ગ હાલ બંધ
  • વાહનચાલકોને ધીરજ રાખી વૈકલ્પિક માર્ગ લેવા તંત્ર દ્વારા અપીલ

Manjalpur Broad Gauge Railway Crossing: માંજલપુર વિસ્તારમાં 36 મીટર બ્રોડગેજ રેલ્વેલાઇન નાખવાની કામગીરી અંતર્ગત નવી ડ્રેનેજ લાઈન બેસાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે માંજલપુર બ્રોડગેજ રેલ્વે ક્રોસીંગથી બિલ્લાબોંગ સ્કૂલ તરફ જતો મુખ્ય માર્ગ તાત્કાલિક રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

બિલ્લાબોંગ સ્કૂલ તરફનો રસ્તો બંધ  

ડ્રેનેજ શાખા વિભાગના જણાવ્યા અનુસાર, માંજલપુર બ્રોડગેજ રેલ્વે ક્રોસીંગથી બિલ્લાબોંગ સ્કૂલ તરફ જતો મુખ્ય માર્ગ તાત્કાલિક રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શુભ એન્ટ્રીથી વિશ્વામિત્રી તરફ જતા રસ્તા પર જ્યાં કામગીરી ચાલી રહી છે, તે ભાગ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી

ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ઊંડાઈમાં કરવામાં આવતી હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા હેવી મશીનરી, મજૂરો-કારીગરોની હેરફેર તેમજ કામ માટે જરૂરી સાધન-સામગ્રી રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં લઈ સુરક્ષાના કારણોસર માર્ગ બંધ રાખવાની ફરજ પડી હોવાનું તંત્રએ જણાવ્યું છે.

વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ લેવા અપીલ

વિકલ્પરૂપે, માર્ગના કામગીરી સિવાયના ભાગનો જમણી બાજુનો કેરેજવે તથા અન્ય વૈકલ્પિક રસ્તાનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે. સાથે જ રાહદારીઓ અને વાહનચાલકોને બંધ રસ્તાના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરવા માટે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

નાગરિકોને ધૂળથી પારાવાર મુશ્કેલી

બીજી તરફ, નાણાકીય વર્ષ 2024-25 પૂર્ણ થવામાં આવતાં શહેરના વિવિધ વિસ્તારમાં પાલિકાએ રાતોરાત કામગીરી પૂરી કરવાની દોડમાં અનેક રસ્તાઓ એક સાથે ખોદી નાખ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ઘણી જગ્યાએ કામગીરી અધૂરી રહી જતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે હેરાનગતિ અનુભવી રહ્યા છે. રસ્તા પર ઊડતી ધૂળની ડમરીના કારણે ખાંસી, શરદી અને એલર્જી જેવી તકલીફો વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

યોગ્ય આયોજન અને તબક્કાવાર કામગીરી કરવા માંગ

સ્થાનિક લોકોનું કહેવું છે કે યોગ્ય આયોજન અને તબક્કાવાર કામગીરી કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા અને જન અસુવિધા ઘટાડી શકાય. હાલ તો માંજલપુર વિસ્તારમાં ચાલતી ડ્રેનેજ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી વાહનચાલકોને ધીરજ રાખી વૈકલ્પિક માર્ગ અપનાવવા અને તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.