VMC team and lorry owners Argument: વડોદરા શહેરના હૃદયસ્થાન સમાન સૂરસાગર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશને લઈને શુક્રવારે ભારે હોબાળો સર્જાયો હતો. પાલિકાની દબાણ શાખાની ટીમ લારી-ગલ્લા હટાવવા માટે પહોંચતા જ સ્થળ પર લારી ધારકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કાર્યવાહી દરમિયાન તંત્ર અને લારીધારકો વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.
સૂરસાગર વિસ્તારમાં મનપાની દબાણ હટાવ ઝુંબેશ
પ્રાપ્ત માહિતી મુજબ, સ્થાનિક ઇલેક્શન નજીક આવી રહ્યા હોવા છતાં સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરોની ચુપ્પી લારી ધારકોમાં ચર્ચાનો વિષય બની છે. લારી ધારકોનું કહેવું છે કે અગાઉ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ લારીઓ નક્કી કરેલા સ્થળે અને અંદરના ભાગમાં રાખવામાં આવી હતી. તેમ છતાં અચાનક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી લારીઓ જપ્ત કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
લારીધારકોએ મનપા તંત્ર પર કર્યા ગંભીર આક્ષેપ
આ કાર્યવાહી દરમિયાન એક સ્થાનિક મહિલા લારીધારકે તંત્ર પર મનમાનીનો આક્ષેપ કરતા જણાવ્યું કે, નિયમોનું પાલન કર્યા છતાં તેમની લારી જપ્ત કરાઈ, જ્યારે આસપાસની અન્ય લારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે તંત્ર પર ભેદભાવપૂર્ણ વલણ અપનાવવાનો આક્ષેપ કર્યો હતો.
"બીજી તરફ, પાલિકા તંત્ર દ્વારા જાહેર માર્ગો ખાલી કરવાના હેતુથી કાર્યવાહી કરવામાં આવી હોવાનું મૌખિક રીતે જણાવવામાં આવ્યું છે."
નાના વેપારીઓએ વ્યથા જણાવી
આ ઉપરાંત, નાના વેપારીઓએ જણાવ્યું હતું કે, આવી કાર્યવાહીથી તેમની રોજીરોટી પર સીધું સંકટ ઊભું થયું છે, અને પરિવારના ગુજરાન માટે મુશ્કેલી વધી ગઈ છે. લારી ધારકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી આ વિસ્તારમાં વેપાર કરી રહ્યા છે અને અચાનક થયેલી કાર્યવાહીથી તેઓ માનસિક રીતે પણ તણાવમાં આવી ગયા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
હાલમાં સૂરસાગર વિસ્તારમાં તંત્ર અને લારી ધારકો વચ્ચેનો તણાવ યથાવત છે. પરિસ્થિતિ બગડે નહીં તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લારી ધારકો હવે તંત્ર પાસેથી ન્યાયી નિર્ણય અને સ્થાયી ઉકેલની માંગ કરી રહ્યા છે.
