Vadodara News:સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસમાં મોટી ચોરી: ભાનુશાલી પરિવારના રૂપિયા 11.71 લાખના દાગીના અને રોકડ ભરેલી બેગ ચોરાઈ

સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસમાં મુંબઈથી દ્વારકા જઈ રહેલા ભાનુશાલી પરિવારની ઊંઘ દરમિયાન ₹11.71 લાખના સોનાના દાગીના અને રોકડ ભરેલી બેગ ચોરાઈ ગઈ. નડિયાદ રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જેમાં સીટ નંબર 8 પરના મુસાફર અને સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 15 Aug 2026 09:47 PM (IST)Updated: Sat, 15 Aug 2026 09:47 PM (IST)
major-theft-in-saurashtra-mail-express-bhanushali-familys-bag-full-of-jewellery-and-cash-worth-rs-1171-lakh-stolen

Vadodara News:મુંબઈથી દ્વારકા દર્શન માટે જઈ રહેલા એક ભાનુશાલી પરિવાર સાથે પ્રવાસ દરમિયાન મોટી ચોરીની ઘટના સામે આવી છે. સુરત અને નડિયાદ રેલ્વે સ્ટેશન વચ્ચે સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં ઊંઘ દરમિયાન મુસાફરની માથા નીચેથી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 11,71,000 ની મત્તા ભરેલી બેગ ચોરાઈ ગઈ હતી. આ અંગે નડિયાદ રેલ્વે પોલીસ મથકે સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો છે.

મૂળ મુંબઈના મુલુંડ પશ્ચિમ ખાતે રહેતા અનિલભાઈ હીરાલાલ ભદ્રા ભાનુશાલી પોતાના પરિવાર સાથે સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૨૯૪૫) ના A-2 કોચની સીટ નંબર 7 પર મુસાફરી કરી રહ્યા હતા. સુરત સ્ટેશન પાર થયા બાદ તેઓએ પોતાના કિંમતી સોનાના દાગીના અને રોકડ રકમ ભરેલી બ્લુ કલરની બેગ પોતાની માથા નીચે રાખી હતી અને પરિવાર સાથે ગાઢ નિંદ્રામાં હતા, તે દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર આ બેગ ચોરીને ફરાર થઈ ગયો હતો.

વહેલી સવારે ટ્રેન નડિયાદ સ્ટેશન નજીક પહોંચી ત્યારે અનિલભાઈની ઊંઘ ઊડી હતી. તેઓએ પોતાની માથા નીચે રાખેલી બેગ ગાયબ જણાતા ભારે ચિંતા અનુભવી હતી. આખા કોચમાં સઘન તપાસ કરવા છતાં બેગ મળી આવી ન હતી, જેથી તેઓએ તાત્કાલિક અન્ય મુસાફરોને જાણ કરી હતી અને રેલ્વે હેલ્પ લાઈન નંબર 138 પર સંપર્ક કરીને પોતાની પ્રાથમિક ફરિયાદ નોંધાવી હતી.

ચોરાયેલી આ બેગમાં અંદાજે 2.5 તોલા વજનનો સોનાનો હાર, 3-3 તોલા વજનની બે સોનાની ચેઈન, દોઢ તોલા વજનની નવગ્રહ સોનાની વીંટી તેમજ કિંમતી ડાયમંડ જડેલી સોનાની વીંટીઓ સહિતના ભારે દાગીના અને રૂપિયા 91,000 ની રોકડ રકમ રાખવામાં આવી હતી.

દરમિયાન, જ્યારે આ ટ્રેન અમદાવાદ રેલ્વે સ્ટેશને પહોંચી ત્યારે સ્ટેશન પર ટ્રેનના બાથરૂમમાંથી એક બિનવારસી હાલતમાં ખાલી બ્લુ કલરની બેગ મળી આવી હતી. તપાસ કરતા તે બેગ ભાનુશાલી પરિવારની જ હોવાનું જણાયું હતું, પરંતુ તેમાંથી તમામ કિંમતી સોનાના દાગીના અને રોકડ રકમ સંપૂર્ણપણે ગાયબ હતી.

સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નડિયાદ રેલ્વે પોલીસે BNSS ની કલમ 305 મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે. પોલીસે મુખ્યત્વે સીટ નંબર 8 પર મુસાફરી કરનાર અન્ય મુસાફરની શંકાસ્પદ ભૂમિકા અંગે તપાસ કેન્દ્રિત કરી છે. આ ઉપરાંત, વિવિધ રેલ્વે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.