Vadodara News:વડોદરાના વકીલ હિતેશ ગુપ્તા સામેની દુષ્કર્મની ફરિયાદ રદ કરવાની માંગ સાથે વકીલોનો વિરોધ: રેન્જ આઈજી કચેરી ખાતે રજૂઆત

Vadodara News:વડોદરા શહેરના જાણીતા વકીલ હિતેશ ગુપ્તા સામે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદને લઈને સમગ્ર વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 10 Aug 2026 06:01 PM (IST)Updated: Mon, 10 Aug 2026 06:01 PM (IST)
lawyers-protest-demanding-cancellation-of-rape-complaint-against-vadodara-lawyer-hitesh-gupta-presentation-at-range-ig-office

Vadodara News:વડોદરા શહેરના જાણીતા વકીલ હિતેશ ગુપ્તા સામે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદને લઈને સમગ્ર વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદિત ફરિયાદના વિરોધમાં અને તે રદ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં વકીલો એકત્ર થઈને વડોદરા ખાતે આવેલી રેન્જ આઈજીની કચેરી પર પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સંખેડા પોલીસ સ્ટેશનમાં 26 વર્ષીય એક યુવતી દ્વારા શહેરના જાણીતા વકીલ હિતેશ ગુપ્તા, તેમના પત્ની અને તેમના જુનિયર વકીલ સામે દુષ્કર્મ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ નોંધાયા બાદ વડોદરાના ન્યાયિક અને વકીલ વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલો ગરમાતાની સાથે જ વકીલોએ એકજૂટ થઈને પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે.

ફરિયાદના વિરોધમાં વડોદરાના વકીલો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને રેન્જ આઈજીની કચેરી તરફ કૂચ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન વકીલો દ્વારા પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને 'પોલીस હાય-હાય'ના નારા લગાવવામાં આવ્યા હતા. વકીલોની મુખ્ય માંગ હતી કે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ, પારદર્શક અને યોગ્ય તપાસ થવી જોઈએ. વકીલોના એક વિશેષ પ્રતિનિધિમંડળે રેન્જ આઈજીને મળીને સમગ્ર પ્રકરણ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ ફરિયાદ ત્વરિત રદ્દ કરવાની ઉગ્ર માંગ કરી હતી.

બીજી બાજુ, પોતાની સામે નોંધાયેલી આ ગંભીર ફરિયાદ અંગે વકીલ હિતેશ ગુપ્તાએ પોતાની પ્રતિક્રિયા આપતા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે,મને ફસાવવા માટે કેટલાંક ઈસમો દ્વારા મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. હું આ યુવતીને ક્યારેય મળ્યો જ નથી. એટલું જ નહીં, પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે હિતેશ ગુપ્તાએ પોતાના ખર્ચે નાર્કો ટેસ્ટ કરાવવાની પણ તૈયારી દર્શાવી છે.

આ કેસમાં વકીલ અને પોલીસ આમને-સામને આવી ગયા છે ત્યારે આગામી દિવસોમાં તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને વહીવટી તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.