Kuber Bhandari Temple Dabhoi: ભાદરવા માસની પવિત્ર અમાસ એટલે કે 'પિતૃ દર્શા અમાસ'ના પાવન પર્વે ડભોઈ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મંદિર ખાતે ભક્તિ અને આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. પિતૃ તર્પણ અને દાદાના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ગુજરાત અને બહારના રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં માઇભક્તો તથા શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું.
કુબેર ભંડારીધામમાં ભક્તો ઉમટ્યા
શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ભાદરવી અમાસના દિવસે બપોરે બરાબર 12:00 વાગ્યે શ્રી કુબેર દાદાના નિજ મંદિરના કપાટ ખોલીને મધ્યકાળની વિશેષ મહાઆરતી કરવાનો અનોખો મહિમા છે. આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા માટે ભક્તો કલાકો અગાઉથી લાઈનમાં ઊભા રહીને દાદાના દર્શન અને આશીર્વાદ મેળવવા આતુર જણાયા હતા. આ અવસરે કુબેર દાદાના દિવ્ય શૃંગાર અને દાદાના કપાટ ખોલવાની પરંપરાગત વિધિ સ સંપન્ન થઈ હતી, જેમાં ઉપસ્થિત સૌ ભક્તોએ 'જય કુબેર ભંડારી'ના નાદ સાથે સમગ્ર વાતાવરણને ગુંજવી મૂક્યું હતું.
પિતૃ તર્પણ કરી ભક્તો બન્યાં ધન્ય
આ પ્રસંગે દાદાના ચરણોમાં શીશ નમાવીને પ્રાર્થના કરવામાં આવી હતી કે, આ પવિત્ર ધામમાં આવતા તમામ માઈભક્તો અને શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ થાય, તથા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય. પિતૃઓનું તર્પણ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
સાથે જ આવતીકાલથી પ્રારંભ થઈ રહેલા જગતજનની આરાધનાના મહાપર્વ 'આસો નવરાત્રી'ને લઈને સૌ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આદ્યાશક્તિ મા અંબા સૌ પર પોતાના અમીદ્રષ્ટિ રાખે અને શક્તિ-સદ્બુદ્ધિના આશીર્વાદ આપે તેવી ભાવના વ્યક્ત કરાઈ હતી.
શક્તિ માતાજીને કરાઈ વિશેષ પ્રાર્થના
આ ધાર્મિક પ્રસંગે ડભોઈ વિધાનસભા વિસ્તારના સમગ્ર વિકાસકાર્યોની ધારા અવિરતપણે આગળ વધતી રહે અને પ્રગતિના માર્ગમાં આવતા તમામ વિઘ્નો તથા અવરોધો દૂર કરવાની શક્તિ માતાજી આપે તેવી પણ ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. ડભોઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સુખ-શાંતિ જળવાઈ રહે અને પ્રજા કલ્યાણના કાર્યો વેગવંતા બને તે માટે આશીર્વાદ માંગવામાં આવ્યા હતા. પવિત્ર નર્મદા કિનારે આવેલા આ ધામમાં ભાદરવી અમાસે દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.
