Shravan 2026, Kayavarohan Lakulish Temple: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનું પૌરાણિક કાયાવરોહણ ગામ આજે શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે 'હર હર મહાદેવ' અને જય લકુલીશના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ગુજરાતના કાશી તરીકે ખ્યાતિ પામેલા આ મહાતીર્થ સ્થાને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા.
આજરોજ શ્રાવણના અંતિમ સોમવારે વડોદરા શહેર તેમજ સમગ્ર જિલ્લાભરમાં તમામ નાના-મોટા શિવાલયો અને દેવાલયોમાં ભક્તોની અદભુત ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભગવાન ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સતયુગથી અસ્તિત્વ ધરાવતી આ આધ્યાત્મિક નગરી ભગવાન શિવજીના 28 મા અવતારની ભૂમિ છે. શિવ પુરાણમાં ઉલ્લેખ પામેલું આ ગામ સતયુગમાં ઈચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરયુગમાં મેઘાવત અને કળિયુગમાં કાયાવરોહણ તરીકે ઓળખાય છે.
દેશભરમાં અનોખું એવું આ મંદિર એટલા માટે વિશેષ છે કારણ કે અહીં શિવલિંગના અગ્ર ભાગમાં સ્વયં પ્રતિષ્ઠિત ભગવાન લકુલીશજીની મૂર્તિ દ્રશ્યમાન થાય છે. શાસ્ત્રો અનુસાર, 5200 વર્ષ પહેલાં શંકર ભગવાને લકુલીશજીના રૂપમાં માનવ સ્વરૂપ ધારણ કર્યું અને કાર્ય પૂર્ણ થતાં તેઓ જ્યોતિ સ્વરૂપે આ શિવલિંગમાં સમાઈ ગયા હતા. યોગાચાર્ય કૃપાલ્વાનંદજી મહારાજે 3 મે, 1974ના રોજ આ દિવ્ય મંદિરની સ્થાપના કરી હતી.
મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અત્રિ અને મહર્ષિ ભૃગુ જેવા મહાન ઋષિની તપોભૂમિ પણ રહી છે. મહર્ષિ વિશ્વામિત્રએ અહીં ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કર્યું, જેનું ઉદ્ધવ સ્થાન પણ કાયાવરોહણ જ ગણાય છે. દંતકથા મુજબ, આ પાવન ધરતી પર દેવાધિદેવ મહાદેવ સ્વયં માનવ રૂપે અવતર્યા હતા. અહીં મૃત્યુ પામનાર જીવને સીધું જ સ્વર્ગ પ્રાપ્ત થાય છે તેવી લોકવાયકા છે. ભારતના 68 મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાં ગણના પામતા આ સ્થળે જ્ઞાન, યોગ અને ભક્તિનો ત્રિવેણી સંગમ થાય છે.
આજે શ્રાવણના આખરી સોમવારે વડોદરા પંથકમાંથી કાયાવરોહણના લકુલીશ મંદિરે પહોંચેલા ભક્તોએ પંક્તિબદ્ધ થઈને શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બીલીપત્ર અર્પણ કર્યા હતા. મંદિર પરિસર બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે સ્વયંસેવકો દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવી હતી, જેથી પધારેલા હજારો શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શનનો લાભ લઈ શકે. અંતિમ સોમવારના આ પર્વ પર શિવ આરાધનાથી સમગ્ર વડોદરા જિલ્લાનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
