Jhagadia Rape-Murder Case: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં ડિસેમ્બર 2024માં 10 વર્ષીય બાળકી પર અમાનવીય દુષ્કર્મ અને હત્યાના કેસમાં ફાંસીની સજા પામેલા દોષિત વિજય પાસવાનનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર મામલે વળાંક આવ્યો છે અને દોષિતના પરિવારે જેલ તંત્ર તથા તપાસ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
શું હતો વર્ષ 2024 નો દુષ્કર્મ-હત્યાનો મામલો?
16 ડિસેમ્બર 2024 ના રોજ ઝઘડિયા GIDC માં રહેતા મૂળ ઝારખંડના શ્રમિક પરિવારની 10 વર્ષીય પુત્રી ગુમ થઈ ગઈ હતી. આરોપી તેને એકાંત સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરી ઝાડી-ઝાંખરામાં ફેંકી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓ ધરાવતી બાળકીને વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં 8 દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝઝૂમીને તેણે દમ તોડ્યો હતો.
સ્થાનિક સ્તરે વ્યાપેલા રોષ વચ્ચે ભરૂચ પોલીસે CCTV, સર્વેલન્સ અને FSL પુરાવાના આધારે વિજય પાસવાનની ધરપકડ કરી હતી. રાજ્ય સરકારે આ મામલાને સ્પીડી ટ્રાયલ કોર્ટમાં ચલાવવાનો નિર્ણય લીધો હતો. ફેબ્રુઆરી 2025 માં શરૂ થયેલા કેસમાં મે 2025 ના રોજ અંકલેશ્વર સેશન્સ કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી આ કૃત્યને 'રેરેસ્ટ ઓફ ધ રેર' ગણાવી આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.
પરિવારનો આરોપ: 'નિર્દોષ હતા, નિષ્પક્ષ તપાસ કરો'
વિજય પાસવાનના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત બાદ તેની પત્ની બબીતા દેવીએ સયાજી હોસ્પિટલ ખાતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમના પતિને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. બનાવ સમયે અન્ય શખ્સો સામેલ હોવા છતાં યોગ્ય તપાસ કરવામાં આવી નહોતી અને સરકારી વકીલ દ્વારા પણ તેમનો પક્ષ યોગ્ય રીતે રજૂ કરાયો નહોતો.
પરિવારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી આ કેસની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર નહીં કરે. દોષિતના અચાનક થયેલા મોતથી ન્યાયિક પ્રક્રિયા અને જેલ સત્તાવાળાઓની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
