Vadodara: દિવાળીનો તહેવાર એટલે ખુશીઓ, ઉલ્લાસ અને દીવાઓનો પર્વ. આ એવો સમય છે. જ્યારે દરેક ઘર અંજવાળાથી અને જાતભાતની વાનગીઓની સુગંધથી મહેંકી ઉઠે છે. લોકો નવા વસ્ત્રો પહેરીને અને પરિવાર સાથે ઉત્સાહથી આ પર્વ ઉજવે છે, પરંતુ સમાજમાં એક વર્ગ એવો પણ છે જે પોતાની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે બે સમયની રોજી-રોટી માટે સંઘર્ષ કરતો હોય છે.
આવા વંચિત અને જરૂરિયાતમંદ પરિવારો માટે દિવાળીની ખુશીઓ માત્ર એક સ્વપ્ન સમાન બની રહે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને, સામાજિક કાર્યો માટે હંમેશા અગ્રેસર રહેતું ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા માનવતાની મહેંક ફેલાવતો એક પ્રશંસનીય અને અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો
સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષે 'સ્નેહ અભિયાન' અંતર્ગત દિવાળીના પાવન અવસરે જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓનો દીવો પ્રગટાવવાના ઉમદા હેતુથી ભવ્ય વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ ગ્રામ્ય વિસ્તારોના શાળાકીય બાળકો તેમજ જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ, ફરસાણ, ચોકલેટ અને દીવાની કુલ 10,000 કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ વર્ષે આ અભિયાનનો વ્યાપ વધારીને સાવલી તાલુકાની વિવિધ શાળાઓ તેમજ હાલોલ જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ ગામડાઓના જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. અગાઉના વર્ષોની સફળતા બાદ, આ ચોથા વર્ષે પણ ફાઉન્ડેશનના યુવા સ્વયંસેવકો અને પદાધિકારીઓએ ઉત્સાહપૂર્વક આ સેવાકાર્ય હાથ ધર્યું છે. જ્યારે અંતરિયાળ ગામડાના ભૂલકાઓ અને ગરીબ પરિવારોને આ કીટ મળે છે, ત્યારે તેમના ચહેરા પર જે સ્મિત અને આનંદ જોવા મળે છે, તે આ સમગ્ર અભિયાનની સૌથી મોટી સફળતા છે.
ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનના તરંગ શાહ, આશય શાહ અને દેવાંશ શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, "દિવાળી જેવા પર્વમાં કોઈ પણ વ્યક્તિ ખુશીઓથી વંચિત ન રહે અને દરેકના ઘરે ઉત્સાહનો માહોલ સર્જાય તેવા ઉદ્દેશ્ય સાથે આ સ્નેહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમારો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે સમાજના છેવાડાના માનવી સુધી દીવાળીનો પ્રકાશ અને મીઠાશ પહોંચી શકે.
