વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવીને યુવતી સાથે વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી ફૈઝલ અને તેના મિત્ર ફિરોઝ નામના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર સયાજીગંજ વિસ્તારમાં રહેતી યુવતીએ ઇન્સ્ટાગ્રામ એપ પર વિધર્મી યુવક સાથે 6 મહિના પહેલા પરિચય થયો હતો. બે દિવસ પહેલા યુવતી તેના ઘરે હતી એ સમયે બે વિધર્મી યુવકો તેના ઘરે આવ્યા હતા અને યુવતીને પોતાની સાથે આવવા જણાવ્યું હતું. જોકે યુવતીએ સાથે જવાનો ઇન્કાર કર્યો હતો. આથી રોષે ભરાયેલા વિધર્મી યુવકોએ આ યુવતીનું અપહરણ કર્યું હતું અને અલકાપુરીની એક હોટલમાં લઇ ગયા હતા. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ભોગ બનનાર યુવતીએ ગત 31 ડિસેમ્બરના રોજ બનાવની જાણ સયાજીગંજ પોલીસને કરી હતી. પોલીસે મોડી રાત્રે IPC કલમ 365,376(2)(એન) મુજબ ગુનો દાખલ કર્યો છે અને ગણતરીની કલાકોમાં દુષ્કર્મ આચરનારા આરોપી ફૈઝલ ઘાંચી અને યુવતીનું અપહરણ કરવામાં ફૈઝલની મદદ કરનાર તેના મિત્ર ફિરોઝ વ્હોરાને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
દુષ્કર્મ કેસમાં સયાજીગંજ પોલીસે પકડેલો આરોપી ફૈઝલ ઘાંચી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ફૈઝલ વિરુદ્ધ મારામારી, લૂંટ, એટ્રોસિટી જેવા 7 જેટલા ગુના નોંધાયા છે. જ્યારે અપહરણ કરવામાં મદદ કરનાર ફિરોઝ વિરુદ્ધ પણ એક કેસ પોલીસ ચોપડે નોંધાયેલો છે.
