Vadodara News: શિનોરના છાણભોઈ ગામે ચારિત્ર્ય પર શંકા રાખી પ્રેમીએ જ વિધવા પ્રેમિકાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી, આરોપીની ધરપકડ

વડોદરાના શિનોર તાલુકાના છાણભોઈ ગામે એક વિધવા મહિલાની તેના પ્રેમીએ ચારિત્ર્ય પર શંકા રાખી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી. શિનોર પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી સતીશ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 05 Oct 2026 10:58 PM (IST)Updated: Mon, 05 Oct 2026 10:58 PM (IST)
in-chhanbhoi-village-of-shinor-a-lover-murdered-his-widowed-girlfriend-by-stabbing-her-with-a-sharp-weapon

વડોદરા જિલ્લાના કરજણ-શિનોર વિસ્તારમાં આવેલ છાણભોઈ ગામે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામની નવીનગરી વિસ્તારમાં રહેતી વિધવા મહિલાની તેના જ પ્રેમી દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. શિનોર પોલીસે બનાવ અંગે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, છાણભોઈ ગામની નવીનગરી ખાતે રહેતા મનીષાબેન કિરણભાઈ વસાવાના પતિનું આશરે ૧૦ વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેમની પરિણિત પુત્રી સાસરે છે અને પુત્ર સોહમ મોસાળમાં રહેતો હતો. મનીષાબેન ઘરમાં એકલાં રહેતાં હોવાથી છેલ્લા બે વર્ષથી ગામના જ સતીશ વસાવા નામના શખ્સ સાથે પતિ-પત્ની તરીકે રહેતા હતા.

દરમિયાન, સતીશ વસાવા અવારનવાર મનીષાબેનના ચારિત્ર્ય પર શંકા રાખી તેમની સાથે ઝઘડો કરતો હતો. બે દિવસ પૂર્વે સાંજે બંને વચ્ચે કોઈ બાબતે ભારે બોલાચાલી થઈ હતી. તકરાર ઉગ્ર બનતાં આવેશમાં આવેલા સતીશે તીક્ષ્ણ હથિયાર વડે મનીષાબેન પર પ્રાણઘાતક હુમલો કરી દીધો હતો. ગંભીર ઈજાઓને કારણે મનીષાબેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

સવારે ૮:૦૦ થી ૮:૩૦ વાગ્યાના અરસામાં શિનોર પોલીસ સ્ટેશનને ટેલિફોનિક જાણ મળતાં શિનોર પી.આઈ. આર.આર. વસાવાએ તુરંત જ વડોદરા રૂરલ ડી.વાય.એસ.પી. પી.એન. પટેલને જાણ કરી હતી. ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા.

આ અંગે DySP પી.એન. પટેલે જણાવ્યુ હતું કે, "મહિલાની હત્યા બાદ ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી સતીશ વસાવાને શિનોર પોલીસે ઝડપી પાડ્યો છે. મૃતક મહિલાના પુત્ર સોહમની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે." આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.