ICC Women's Champions Trophy 2027: વડોદરા અને મુંબઈ કરશે સંયુક્ત યજમાની, કોટંબી સ્ટેડિયમમાં જામશે ક્રિકેટનો જંગ

શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં વિવાદને પગલે ICC એ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027 ની યજમાની ભારતને સોંપી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 03 Sep 2026 12:04 PM (IST)Updated: Thu, 03 Sep 2026 12:04 PM (IST)
icc-womens-champions-trophy-2027-in-india-vadodara-and-mumbai-will-host
AI Generated Image

ICC Women's T20 Champions Trophy-2027: શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકારી અને વહીવટી દખલગીરી વિવાદને પગલે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મહિલા T20 ચેમ્પિયન્સ ટ્રોફી 2027 ની યજમાની શ્રીલંકા પાસેથી પાછી ખેંચીને ભારતને સોંપવામાં આવી છે. આ વૈશ્વિક ટૂર્નામેન્ટનું આયોજન આગામી 14 થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન મુંબઈ અને વડોદરા ખાતે સંયુક્ત રીતે કરવામાં આવશે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકારી હસ્તક્ષેપ વધતાં ICC એ કડક વલણ અપનાવ્યું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કેલેન્ડર વચ્ચે પણ ભારતની ઉત્કૃષ્ટ આયોજન ક્ષમતા અને વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને આ જવાબદારી સોંપાઈ છે.

વડોદરાના અદ્યતન કોટંબી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તેમજ મુંબઈના ઐતિહાસિક ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) ખાતે આ હાઈ-વોલ્ટેજ મુકાબલા રમાશે. સંસ્કારી નગરી વડોદરાને આંતરરાષ્ટ્રીય સ્તરની ICC ટૂર્નામેન્ટ ફાળવાતા સ્થાનિક ક્રિકેટ અને રમતપ્રેમીઓ અને ક્રિકેટ વર્તુળોમાં જબરદસ્ત ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

 

સત્તાવાર વિગતો અનુસાર, પ્રથમ વખત યોજાઈ રહેલી મહિલા T20 ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિશ્વની દિગ્ગજ 6 ટીમો ભાગ લેશે. જેમાં યજમાન ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. સમગ્ર ટુર્નામેન્ટ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે, જેમાં દરેક ટીમ સામેની ટીમ સામે લીગ મેચ રમશે. લીગ તબક્કાના અંતે પોઈન્ટ્સ ટેબલમાં મોખરાના બે સ્થાને રહેનારી સર્વશ્રેષ્ઠ ટીમો વચ્ચે ટ્રોફી માટે ગ્રાન્ડ ફાઈનલ મુકાબલો રમાશે.

આગામી સમયમાં વડોદરા ક્રિકેટ જગતનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. અગાઉ જાહેર થયેલા કાર્યક્રમ મુજબ, ઓક્ટોબર 2026 માં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી 3 વન-ડે મેચની દ્વિપક્ષીય શ્રેણીનું આયોજન પણ કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે જ નિર્ધારિત છે. આમ, વર્ષ 2026 ના અંત ભાગમાં દ્વિપક્ષીય શ્રેણી અને 2027 ની શરૂઆતમાં મલ્ટી-નેશન ICC ટૂર્નામેન્ટ મળવાથી કોટંબી સ્ટેડિયમ વૈશ્વિક ક્રિકેટ નકશા પર વધુ મજબૂતીથી ઊભરી આવશે.