Vadodara News: ખંભાતના શકરપુર ગામે હૃદયદ્રાવક કરુણાંતિકા: તલાવડીમાં ડૂબી જવાથી મોતને ભેટેલી ત્રણ માસૂમ સગી બહેનોની નીકળેલી અંતિમયાત્રાથી આખું ગામ હિબકે ચડ્યું

Vadodara News: આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપુર ગામે ગત ૩૦ ઓગસ્ટના રોજ સર્જાયેલી એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનામાં ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડીમાં ડૂબી જવાથી એક જ પરિવારની ત્રણ માસૂમ સગી બહેનોનાં કરુણ મોત નીપજ્યાં છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 31 Aug 2026 07:28 PM (IST)Updated: Mon, 31 Aug 2026 07:28 PM (IST)
heartbreaking-tragedy-in-shakarpur-village-of-khambhat-the-entire-village-was-moved-by-the-funeral-procession-of-three-innocent-sisters-who-died-after-drowning-in-a-pond

Vadodara News: આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપુર ગામે ગત ૩૦ ઓગસ્ટના રોજ સર્જાયેલી એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનામાં ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડીમાં ડૂબી જવાથી એક જ પરિવારની ત્રણ માસૂમ સગી બહેનોનાં કરુણ મોત નીપજ્યાં છે. આઝાદી અને બાળપણની રમૂજ વચ્ચે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને આજરોજ નીકળેલી તેમની અંતિમયાત્રાએ સૌની આંખો ભીની કરી દીધી હતી.

શકરપુરના મોસમ ફળીયામાં રહેતા અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા અશ્વિનભાઈ બારૈયાની ૧૩ વર્ષીય દીકરી પ્રિયા, ૧૧ વર્ષીય ઈશા અને ૮ વર્ષીય રીના સાંજના સુમારે શૌચક્રિયા અર્થે ઘર બહાર નીકળી હતી. આ દરમિયાન તેઓ ગામની સીમમાં આવેલી તલાવડીના કિનારે પહોંચી હતી. બાળસહજ ઉત્સાહમાં ત્રણેય બહેનો કાગળની હોડીઓ બનાવીને પાણીમાં તરાવી રહી હતી. કાગળની હોડીઓ તો પાણીમાં તરતી રહી, પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેવાથી માસૂમ બાળકીઓ વારાફરતી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

સાંજનો સમય છતાં ત્રણેય દીકરીઓ લાંબો સમય ઘર પરત ન ફરતાં પરિવારજનોની ચિંતા વધી હતી. તેમણે આસપાસ અને સગા-સંબંધીઓમાં ભારે શોધખોળ શરૂ કરી હતી. આશરે બે કલાકની સઘન તપાસ બાદ તળાવના કિનારે બાળકીઓએ બનાવેલી કાગળની હોડીઓ તરતી નજરે પડી હતી, જેના પગલે પરિવારજનોના શંકાના વાદળો ઘેરાયા હતા.

તરત જ સ્થાનિક તરવૈયા ચિરાગને જાણ કરવામાં આવતાં તેઓ તાત્કાલિક ટ્રેક્ટર લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સાંજે આશરે છ વાગ્યે તેમણે તળાવના ઊંડા પાણીમાં ઝંપલાવીને શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત અને સંઘર્ષ બાદ તેમણે એક પછી એક ત્રણેય બાળકીઓના નિષ્પ્રાણ દેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને ત્રણેય માસૂમોને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.

રમવાની નાની વયે સર્જાયેલી આ આકસ્મિક દુર્ઘટનાથી હસતો-રમતો પરિવાર ક્ષણભરમાં ઉજ્જડ થઈ ગયો છે. માતા-પિતાના હૈયાફાટ રૂદન અને આક્રંદથી હોસ્પિટલ અને ગામનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. આજરોજ એકસાથે ત્રણ દીકરીઓની નવપલ્લવિત વયે સ્મશાનયાત્રા નીકળતાં આખું શકરપુર ગામ હિબકે ચડ્યું હતું અને શોકના ભારે માહોલ વચ્ચે ગામમાં કોઈના પણ ઘરે ચૂલો સળગ્યો ન હતો. આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારના લોકોને હચમચાવી દીધા છે.