School Diwali Vacation 2026: ગુજરાત રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.તેવા દિવાળી વેકેશનની તારીખો અંગે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા સહિત સમગ્ર રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આગામી 5 નવેમ્બરથી 21દિવસીય લાંબું દિવાળી વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે.
શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળી વેકેશન
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ, આ વર્ષે દિવાળીના તહેવારોની શરૂઆત નવેમ્બરના પ્રારંભમાં જ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને તારીખ 5 નવેમ્બરથી વેકેશનનો વિધિવત પ્રારંભ થશે. આ 21 દિવસીય વેકેશનનો અંત 25 નવેમ્બરે આવશે. રાજ્યભરના વિદ્યાર્થીઓ દિવાળી, નૂતન વર્ષ (બેસતું વર્ષ) અને ભાઈબીજ જેવા મહત્ત્વપૂર્ણ તહેવારો પોતાના પરિવારજનો સાથે ઉત્સાહભેર ઉજવી શકશે. નવેમ્બર માસની શરૂઆતમાં જ રજાઓ પડતી હોવાથી વડોદરા શહેર અને જિલ્લાના અનેક પરિવારો દ્વારા શિયાળાની ઋતુને અનુલક્ષીને બહારગામ પ્રવાસ કે હરવા-ફરવાના સ્થળોએ જવાનું અગાઉથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.
બીજા શૈક્ષણિક સત્રનો ક્યારે થશે પ્રારંભ
વેકેશનના આ સમયગાળા બાદ, શૈક્ષણિક પ્રવૃત્તિઓની વ્યુહરચના અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આગામી 26 નવેમ્બરથી રાજ્યની શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નવું સત્ર શરૂ થતાંની સાથે જ શાળાઓમાં અભ્યાસક્રમને ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં શાળાઓમાં પ્રિલિમ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષાઓની સચોટ તૈયારીઓ કરવા માટે પૂરતો સમય અને તક પૂરી પાડશે. આ બીજું શૈક્ષણિક સત્ર આગામી વર્ષે એટલે કે 2 મે, 2027 સુધી અવિરતપણે ચાલશે.
વેકેશનની મુદ્દત 21 દિવસ રખાઈ
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશનની મુદત 21 દિવસની જ નિશ્ચિત રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ પર અભ્યાસનો માનસિક બોજ ન વધે અને તેઓ તહેવારોનો પૂરેપૂરો આનંદ માણી શકે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. વડોદરા સહિત તમામ જિલ્લાઓમાં આ તારીખોનું શિસ્તબદ્ધ પાલન થાય અને વેકેશનના નિર્ધારિત દિવસો દરમિયાન કોઈ પણ શાળા દ્વારા વધારાના વર્ગો કે ટ્યુશન યોજીને વિદ્યાર્થીઓની રજાઓમાં ખલેલ ન પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા તંત્રને આદેશ અપાયો છે.
