વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો પર ભાજપના ઉમેદવારો જાહેર, પાર્ટીએ જૂના જોગીઓ અને નવા ચહેરા વચ્ચે સંતુલન જાળવ્યું

ડભોઈ નગરપાલિકામાં ભાજપે સોશિયલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરતા 32માંથી 8 બેઠકો લઘુમતી ઉમેદવારોને ફાળવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 09 Apr 2026 09:17 PM (IST)Updated: Thu, 09 Apr 2026 09:17 PM (IST)
gujarat-local-body-polls-2026-bjp-announces-candidates-for-34-vadodara-district-panchayat-seats
HIGHLIGHTS
  • ભાજપમાં ઘરવાપસી કરનાર કિરણસિંહ રાઠોડના પત્ની હેમાબેનને ટિકિટ મળી
  • યુવા મોરચાના ઉપાધ્યક્ષ અંકિતાબેન પરમાને પોર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા

Vadodara: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું (Gujarat Local Body Polls 2026) બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. આગામી 26મી એપ્રિલે રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતો માટે મતદાન યોજાનાર છે.

એવામાં વડોદરા જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ વડોદરા જિલ્લા પંચાયત, પાદરા, વાઘોડિયા અને ડભોઈ નગરપાલિકા માટે પોતાના મુરતિયાઓના નામ જાહેર કરી દીધા છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક બાદ વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં પક્ષે જૂના જોગીઓ અને નવા ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવ્યું છે.

  • પોર બેઠક: યુવા મોરચાના ઉપાધ્યક્ષ અંકિતાબેન પરમારને ટિકિટ મળી છે.
  • સોખડા બેઠક: ભાજપમાં ઘરવાપસી કરનાર કિરણસિંહ રાઠોડના પત્ની હેમાબેન રાઠોડને મેદાનમાં ઉતારાયા છે.
  • ⁠અનગઢ બેઠક: તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ બિરેન પટેલ પર પસંદગીનો કળશ ઢોળાયો છે.

⁠ડભોઈ નગરપાલિકામાં ભાજપે સોશિયલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરતા 32માંથી 8 બેઠકો લઘુમતી ઉમેદવારોને ફાળવી છે. સાવલી અને વાઘોડિયા સહિત કુલ 11 લઘુમતી ઉમેદવારોને મેદાનમાં ઉતારી ભાજપે સર્વસમાવેશક રાજનીતિનો સંકેત આપ્યો છે.

પાદરા નગરપાલિકા માં 7 વોર્ડના 28 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, જેમાં વોર્ડ નં. 5માં બ્રિજેશ પટેલ અને વોર્ડ નં.1માં સેજલબેન રબારી જેવા સક્રિય કાર્યકરોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, વાઘોડિયા નગરપાલિકામાં 6 વોર્ડ માટે 24 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.