Kickboxing Championship: ખેલો ઈન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની દીકરીઓએ શાનદાર પ્રદર્શન કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે આવેલી ઇન્દોર પબ્લિક સ્કૂલમાં 24થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાતની મહિલા કિકબોક્સરોએ ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી હતી.
11 ગોલ્ડ સહિત 20 મેડલ સાથે દમદાર જીત
પશ્ચિમ ઝોનના કુલ 8 રાજ્યોમાંથી વિવિધ કેટેગરી અને ઇવેન્ટ્સમાં 495 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાત તરફથી 31 મહિલા ખેલાડીઓ સાથે 3 કોચ, એક રેફરી અને એક અધિકારીએ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કઠિન અને તીવ્ર સ્પર્ધા વચ્ચે ગુજરાતની ખેલાડીઓએ પોતાની કુશળતા, શિસ્ત અને આત્મવિશ્વાસથી ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવી કુલ 20 મેડલ જીત્યા હતા. જેમાં 11 ગોલ્ડ, 2 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ઝોનલ લીગમાં સેકન્ડ રનર-અપ રહ્યું ગુજરાત
આ નોંધપાત્ર સિદ્ધિના આધારે ગુજરાતે ઝોનલ લીગમાં સેકન્ડ રનર-અપ ટ્રોફી પોતાના નામે કરી, જે ખેલો ઈન્ડિયા અસ્મિતા કિક બોક્સિંગ ઝોનલ લીગના ઇતિહાસમાં રાજ્ય માટે પ્રથમ વખત પ્રાપ્ત થયેલું મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. મેડલ વિજેતા ખેલાડીઓને ખેલો ઈન્ડિયા અસ્મિતા યોજનાના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગૌરવ અપાવનાર ગુજરાતની દિકરીઓ
ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓમાં દિનકલ ગોરખા, ઈશિતા ગાંધી, કાવ્યા જાડેજા, તત્ત્વજ્ઞા વાલા, પાવની દયાલ, ખુશી પંચાલ, મનસ્વી સલુજા, જિયા શિંદે, દિયા કોઠી, ઈશા કોઠી અને અનમોલ ટંડેલનો સમાવેશ થાય છે. સિલ્વર મેડલ યામી પટેલ અને કાવ્યા શાસ્ત્રીને મળ્યા હતા, જ્યારે બ્રોન્ઝ મેડલ અક્ષયા દલવી, હિયા અમરે, કાવ્યા જાદવ, ધૂન જયસ્વાલ, અંશી ગામીત, જિયાના ઠાકોર અને કોમલ ઉમારાણીયાએ જીત્યા હતા.
નેશનલ ચેમ્પિયનશિપ માટે થઈ પસંદગી
ગુજરાતના તમામ મેડલ વિજેતાઓને હવે ચેન્નાઈ ખાતે યોજાનાર ખેલો ઈન્ડિયા અસ્મિતા નેશનલ રેન્કિંગ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ માટે પસંદગી મળી છે. આ સફળતા ગુજરાતની મહિલા કિકબોક્સરોની વધતી પ્રતિભા, સતત મહેનત અને રાજ્યના મજબૂત રમતગમત ઈકોસિસ્ટમનો જીવંત પુરાવો બની છે.
