BAPS: 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજની 92માં જન્મજયંતી મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક અનેરા ભક્તિભાવથી કરવામાં આવી હતી.
મહંત સ્વામી મહારાજની દિવ્ય વાણી, આધ્યાત્મિક પ્રભાવ, અહંશૂન્યતા અને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને દર્શાવતી વિશિષ્ટ વિડિયોની સાથે BAPS સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પ. પૂ. મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન, ગુણો અને કાર્યો પર વિશેષ પ્રકાશ પાડતાં મનનીય પ્રેરક ઉદ્બોધનો કરવામાં આવ્યા હતા.
આ અવસરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત એવા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું BAPSના વરિષ્ઠ સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારી દ્વારા મહંત સ્વામી મહારાજનું બહુમાન કરવામાં આવ્યું હતું.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બહુમાન - Largest Simultaneous Hindu Text Recital - ‘હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહગાન’ બદલ:
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સંસ્થાના 3 વર્ષથી 13 વર્ષની વય સુધીના 15000 કરતાં વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો એક વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે.
મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત 315 શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત આધ્યાત્મિક, નૈતિક, સામાજિક, વ્યવહારિક જીવનની પ્રેરણા પૂરી પાડે છે.
કોઈ એક સંસ્કૃત ગ્રંથનો, તે ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં 15,666 બાળ-બલિકાઓએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે 315 શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહગાન કર્યું હોય, તેવી આ ઐતિહાસિક વિરલ ઘટના છે. આ અવસરે અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાઠવવામાં આવેલા શુભેચ્છા પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.
મંત્રપુષ્પાંજલિ દ્વારા સૌ ભક્તોએ પ.પૂ. મહંત સ્વામી મહારાજના ચરણોમાં ગુરુભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને અંતે લાખો દીવડાઓ દ્વારા સમૂહઆરતી સમયે હૃદયંગમ વાતાવરણ સર્જાયું હતું. આ જન્મજયંતી સમારોહમાં BAPSના 800 સંતો તેમજ અંદાજે બે લાખ જેટલા ભક્તો-ભાવિકો સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.આ ભવ્ય આયોજન માટે ત્રણ મહિનાથી વધુ સમય સુધી વ્યાપક આયોજન અને તૈયારીઓ ચાલી હતી, જેમાં BAPSના સેંકડો સંતો તથા 34 સેવાવિભાગોના 14000 સ્વયંસેવકોએ અવિરત સેવા આપી હતી.
આ ઐતિહાસિક મહોત્સવ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સુરક્ષા, સલામતી અને જરૂરી સેવાઓ બાબતે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
આ સમારોહ દ્વારા સૌએ વિનમ્રતા, શ્રદ્ધા અને નિઃસ્વાર્થ સેવાના ભાવ સાથે જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી. આ મહોત્સવને ભારત તેમજ વિદેશમાં રહેલા અસંખ્ય ભક્તો – ભાવિકોએ live.baps.org તથા આસ્થા ભજન ચેનલ દ્વારા જીવંત પ્રસારણ દ્વારા નિહાળ્યો હતો.
