New Gambhira Bridge: વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મુજપુર–ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા નવા બ્રિજના નિર્માણની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તત્કાલ નવા બ્રિજના નિર્માણ માટે આપેલી સૂચનાને અનુસરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહી નદી ઉપર, ઉપરવાસમાં જૂના બ્રિજની સમાંતર નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેનું અત્યાર સુધીમાં આશરે 25 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
આંકલાવ તરફ હાલમાં પાંચ પિયર ઉભા કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કુલ 22 પિયર બનાવવાના આયોજન મુજબ દરેક પિયર માટે નવ પાઇલ નાખવામાં આવી રહ્યા છે. મહી નદીમાં 37થી 45 મીટરની ઊંડાઈએ કડક જમીન મળતી હોવાથી આ પાઇલ એટલી ઊંડાઈ સુધી ઉતારવામાં આવે છે. પિયરના પાયા માટે ચાર મેટ મશિન દ્વારા ખોદકામ ચાલી રહ્યું છે.
નવો બ્રિજ રૂ. 180 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેની લંબાઈ 965 મીટર, ઊંચાઈ 17 મીટર અને પહોળાઈ 37 મીટર રહેશે. આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં ચાર મેટ મશિન ઉપરાંત પાંચ ક્રેન, આઠ હાઈડ્રો મશિન, નવ હિટાચી, છ ડમ્પર અને ચાર જેસીબી સહિતના ભારે મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
શરૂઆતમાં 200 શ્રમયોગીઓ કામ કરતા હતા, પરંતુ કામની ગતિ વધારવા માટે હવે 600 જેટલા શ્રમયોગીઓ દિવસ-રાત પરિશ્રમ કરી રહ્યા છે. બ્રિજના બન્ને છેડા પરથી એકસાથે કામગીરી કરવામાં આવી રહી છે.
અરબી સમુદ્રની ભરતી-ઓટના કારણે મહી નદીના પ્રવાહમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને નદીની અંદર માટીના પાળા ઉભા કરવામાં આવ્યા છે અને પાણીના પ્રવાહ માટે નાળા મુકવામાં આવ્યા છે. બ્રિજના નિર્માણમાં કાટ વિરોધી કોટિંગવાળા સળિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત, લોકોને થતી મુશ્કેલી ઘટાડવા માટે જૂના બ્રિજના તૂટેલા ભાગને લોખંડના મજબૂત માળખા દ્વારા જોડીને દ્વિચક્રી વાહનો માટે તત્કાલીન વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
