Who Is Sophia Qureshi, Operation Sindoor: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ હતો. ત્યારે 26 મૃતકોને ન્યાય આપવા ભારત સરકારે એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો છે. ભારતીય વાયુસેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. ત્યારે વડોદરા માટે ગૌરવની વાત એ છે કે, ઓપરેશન સિંદૂરને લીડ કરનાર કર્નલ સોફિયા કુરૈશી મૂળ વડોદરાના છે તેમનો જન્મ અને અભ્યાસ વડોદરામાં થયો છે.
પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ નવી દિલ્હી ખાતે સેનીની એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં સંબોધન કરનાર કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે. તેમનો જન્મ વડોદરામાં થયો હતો અને તેમને વડોદરાની એમએસયુમાંથી બાયોકેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.
બંને દેશની રક્ષા માટે સમર્પિત
વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને Corps of Signalsમાં જોડાઈને અનેક સફળતા મેળવી. તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું હતું. સેનાના સંસ્કારોથી ઉછરેલી સોફિયા આજે પોતે અને તેમના પતિ ભારતીય સેનાની મેખેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે. બંને દેશની રક્ષા માટે સમર્પિત છે. કર્નલ સોફિયાના પિતા ફતેગંજ EMEમાં હતા અને તેમનો પરિવાર વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતો હતો. જોકે તેમના પિતાની વડોદરાથી યુપી બદલી થતા પરિવાર યુપીમાં સ્થાયી થયો છે.
1981માં વડોદરામાં જન્મેલા લેફ્ટનન્ટ કર્નલ કુરેશીએ એમએસયુ બરોડાના સાયન્સ ફેકલ્ટીમાંથી રસાયણશાસ્ત્રમાં બી.એસસી. અને બાયોકેમિસ્ટ્રીમાં એમ.એસસી. (1997 બેચ)નો અભ્યાસ કર્યો છે. તેઓ 1999માં ભારતીય સેનામાં જોડાયા. આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2025માં લેફ્ટનન્ટ કર્નલ કુરેશીએ MSU બરોડા ખાતે બાયોકેમિસ્ટ્રી વિભાગની મુલાકાત લીધી હતી. જ્યાં ફેકલ્ટી અને ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની મુલાકાત વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે એક પ્રેરણાદાયક ક્ષણ હતી.
2016માં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
2016માં કર્નલ સોફિયા એ ભારતીય સેનાના ઇતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેઓ પહેલી મહિલા અધિકારી તરીકે ભારતીય દળનું નેતૃત્વ કરવા માટે ASEAN પ્લસ દેશોની મલ્ટીનેશનલ મિલિટરી એક્સરસાઈઝ ‘ફોર્સ 18’માં ભાગ લેનારા 18 દેશોમાં એકમાત્ર મહિલા કમાન્ડર રહી. તેમના નેતૃત્વમાં ભારતીય દળે વિશ્વસ્તરે પોતાના કૌશલ્ય અને સંકલ્પશક્તિનું પ્રદર્શન કર્યું.
આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં પણ મહત્વનું યોગદાન
કર્મક્ષેત્રે માત્ર યોધ્ધાની ભૂમિકા નથી ભજવી, પરંતુ તેઓએ આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. યુનાઇટેડ નેશન્સની પીસકીપિંગ ઓપરેશન્સ અંતર્ગત છ વર્ષની સેવાકાળ દરમિયાન 2006માં તેઓ કોંગોમાં તૈનાત રહ્યા હતા. શાંતિ સ્થાપના અને માનવીય સહાયમાં તેમણે મહત્વનું કામ કર્યું છે. “વિસંવાદિત વિસ્તારોમાં શાંતિ લાવવા માટેનો પ્રયાસ એ મારા માટે ગૌરવનો ક્ષણ રહ્યો છે,” તેમનો સ્પષ્ટ સંદેશ છે.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે મળીને કર્નલ સોફિયાએ દેશના રક્ષણ અંગે એક સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી. ઓપરેશન સિંદૂરના વિજય અને સેના દ્વારા લેવામાં આવેલી વ્યૂહરચનાઓની ઝાંખી તેમણે મીડિયા સામે રજૂ કરી. દેશના સુરક્ષાકવચ પાછળ ઊભેલા સેનાનાયકોમાં જ્યારે મહિલા અધિકારીઓના નામ છે, ત્યારે તે સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની વાત બને છે.
