Vadodara News: વડોદરા શહેરમાં દીવાળીના તહેવારો બાદ વેપારીઓએ પાંચ દિવસની રજા પૂર્ણ કરીને ફરીથી પોતાના ધંધા-રોજગારની ઉત્સાહભેર શરૂઆત કરી છે. આ વર્ષે દિવાળી પર્વમાં વડોદરાના બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી, જેના પરિણામે સમગ્ર શહેરમાં અંદાજીત 350થી 400 કરોડનો વેપાર નોંધાયો છે. વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેઈટ ગુજરાતના પ્રમુખ પરેશ પરીખના જણાવ્યા અનુસાર, છેલ્લા છ વર્ષના રેકોર્ડને તોડતા આ વર્ષે વેપારીઓએ અગાઉના વર્ષની સરખામણીમાં 15 થી 20 ટકા વધુ ધંધો મેળવ્યો છે.
સ્થાનિક બજારોમાં ખરીદી કરવાનું ગ્રાહકોએ પસંદ કર્યું
આ સિઝનમાં ઓનલાઈન પ્લેટફોર્મના બદલે સ્થાનિક બજારોમાંથી જ વાજબી ભાવે ખરીદી કરવાનું ગ્રાહકોએ વધુ પસંદ કર્યું હતું. છેલ્લા દોઢ મહિનાથી એસોસિએશન દ્વારા લોકલ માર્કેટમાંથી જ ચીજવસ્તુઓ ખરીદવા માટે સતત અપીલો કરવામાં આવી હતી, જેનું હકારાત્મક પરિણામ બજારોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે. શહેરના ઈલેક્ટ્રોનિક્સ, રેડીમેડ કપડાં, ઈલેક્ટ્રિક આઈટમ્સ, ફૂટવેર, ફરસાણ અને મીઠાઈઓ, વાસણો, સોના-ચાંદીના દાગીના, ફટાકડા, ગિફ્ટ આઈટમ્સ, બેકરી પ્રોડક્ટ્સ, ડ્રાયફ્રૂટ્સ, હોમ ડેકોર તેમજ એફએમસીજી સહિતના તમામ ક્ષેત્રોમાં ભારે ખરીદી નોંધાઈ હતી. માત્ર દુકાનો જ નહીં પરંતુ હોટલ, રેસ્ટોરન્ટ, સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ અને પથારાવાળાઓએ પણ આ તહેવારો દરમિયાન સારો નફો રળ્યો હતો.
આ વર્ષે ગ્રાહકોએ સ્વદેશી માલસામાન અપનાવ્યો
પ્રધાનમંત્રીના 'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ'ના અભિયાનથી પ્રેરણા લઈને આ વર્ષે ગ્રાહકોએ ચાઈનીઝ પ્રોડક્ટ્સને સંપૂર્ણપણે બાકાત રાખીને સ્વદેશી માલસામાન અપનાવ્યો હતો. લોકોએ અન્ય વિકલ્પો છોડીને માત્ર સ્થાનિક દુકાનદારો પાસેથી જ ખરીદી કરવાનું યોગ્ય માન્યું હતું. માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ દિવાળી પર્વ દરમિયાન અંદાજે 20 હજાર કરોડ રૂપિયાથી વધુનો વ્યાપાર થયો છે, જ્યારે સમગ્ર દેશમાં વેપારીઓએ 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર કરીને નવો ઇતિહાસ રચ્યો છે.
તહેવારોની આ સિઝન દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા સતત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે શહેરમાં ચોરી કે અસામાજિક તત્વો દ્વારા ઉઠાંતગીરીના બનાવો નહિવત પ્રમાણમાં નોંધાયા હતા અને લોકોએ સુરક્ષિત વાતાવરણમાં ઉત્સવ ઉજવ્યો હતો. આગામી સમયમાં વેપાર વધુ વેગવંતો બને તેવી આશા સાથે વેપારી વર્ગમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
