Diwali 2025: વડોદરા બસ સ્ટેશને દિવાળી પર્વમાં ઘરે જવા માટે મુસાફરોના ભારે ભીડ, પ્રવાસીઓનો ધસારો વધતા અવ્યવસ્થા સર્જાઈ

ભીડને ધ્યાનમાં રાખીને, રાજ્ય પરિવહન નિગમ (ST) દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યભરમાં 610 વધારાની બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 19 Oct 2025 01:16 PM (IST)Updated: Sun 19 Oct 2025 01:16 PM (IST)
diwali-2025-heavy-rush-at-vadodara-bus-station-chaos-as-thousands-head-home-623666

Vadodara News: દિવાળીના તહેવારને લઈને વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. પોતાના વતન જવા માટે લોકોની મોટી સંખ્યામાં અવરજવરને કારણે બસ સ્ટેશન કીડિયારાની જેમ ઉભરાઈ રહ્યું છે. નોકરી-ધંધા માટે વડોદરા આવેલા લોકો હવે દિવાળી ઉજવવા માટે પોતાના ગામડે જવા ઉત્સુક બન્યા છે.

ભીડને ધ્યાન રાખીને વધુ બસો દોડાવાઈ

આ ભીડને ધ્યાનમાં રાખીને, રાજ્ય પરિવહન નિગમ (ST) દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યભરમાં 610 વધારાની બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી 340 બસો 17 થી 21 ઓક્ટોબર દરમિયાન મુસાફરોને વતન પહોંચાડવા માટે ઉપલબ્ધ રહેશે. જ્યારે દિવાળીની રજાઓ બાદ 22 થી 27 ઓક્ટોબર દરમિયાન 270 વધારાની બસો પરત ફરતા મુસાફરો માટે કાર્યરત રહેશે. જોકે ભારે ભીડના કારણે અવ્યવસ્થા સર્જાઈ છે.

બસ સમયસર ન ઉપડતી હોવાનો આક્ષેપ

વતન જતાં હજારો મુસાફરોના ઘસારા વચ્ચે વડોદરા એસટી વિભાગે 17 થી 21 ઓક્ટોબર સુધી પાંચ દિવસ માટે કુલ 340 વધારાની વિશેષ બસ ટ્રીપ ચલાવવાની જાહેરાત કરી હતી. અમદાવાદ, સંતરામપુર, દાહોદ, ઝાલોદ, રાજકોટ, પાવાગઢ, ડાકોર, છોટાઉદેપુર અને સુરત જેવા લોકપ્રિય માર્ગો પર સેવા વધારવામાં આવી હોવા છતાં મુસાફરોને રાહત મળવાની જગ્યાએ વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બસ સ્ટેશન પરની સ્થિતિ મુસાફરો માટે અગવડભરી બની રહી છે. ઘણા મુસાફરોનો આક્ષેપ છે કે બસો સમયસર ઉપડતી નથી અને તેમને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.

મુસાફરોમાં ભારે ધક્કામુક્કી સર્જાઈ હતી

વડોદરા એસટી ડેપો ખાતે દિવાળીના તહેવાર પૂર્વે અફરાતફરી અને ગડબડનો માહોલ જોવા મળ્યો હતો. વધારાની બસો સમયસર ન આવતાં મુસાફરોમાં ભારે ધક્કામુક્કી સર્જાઈ હતી. અનેક મુસાફરો બસની બારીમાંથી ચડતા જોવા મળ્યા હતા, જેમાં નાના બાળકોને ઉંચકી જોખમી રીતે બસમાં બેસાડવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

વધારાની બસોમાં ભાડું સવા ગણું કરવામાં આવ્યું હોવા છતાં મુસાફરોને પૂરતી સુવિધા મળી નથી. ઘણા મુસાફરો લાંબા સમય સુધી બસની રાહ જોતાં થાકી ગયા હતા અને રસ્તા પર જ બેસી જતા હતા. ગરમી અને ભીડ વચ્ચે વૃદ્ધો, બાળકો અને મહિલાઓને ભારે મુશ્કેલી પડી રહી છે. મુસાફરોનો આક્ષેપ છે કે સમયપત્રકનું પાલન ન થવું અને યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે હાલાકી વધી છે.

બીજી તરફ, એસટી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે વધારાની ટ્રીપ શરૂ કરીને મુસાફરોની માંગ પૂરી કરવાની પૂરી કોશિશ થઈ રહી છે, પરંતુ અનિયંત્રિત ભીડ અને છેલ્લી ઘડીએ વધતા પ્રવાસીઓને કારણે પરિસ્થિતિ કાબૂમાં રાખવી મુશ્કેલ બની છે. દિવાળી પર્વ પૂર્વ વડોદરા એસટી વિભાગની આ નિષ્ફળતાએ ફરી એકવાર જાહેર પરિવહન વ્યવસ્થાની ખામીઓ અને આયોજનના અભાવને પ્રકાશમાં લાવ્યું છે. મુસાફરોના દુઃખદ અનુભવોએ એસટીની વ્યવસ્થા સુધારવાની તાતી જરૂરિયાતનો સંદેશ આપ્યો છે.