Vadodara News: આજે પવિત્ર ધનતેરસના શુભ પર્વે સંસ્કારી નગરી વડોદરાના ઝવેરી બજારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીના ભાવમાં મજબૂત ઉછાળો હોવા છતાં, પરંપરાગત શુકનનું સોનું અને દાગીના ખરીદવા માટે વડોદરાના નામાંકિત શોરૂમ્સ અને જ્વેલર્સની દુકાનોમાં સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ જામી છે.
આજના દિવસે સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી છે. વડોદરા બજારમાં આજે સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 1,47,200 અને ચાંદીનો 1 કિલોનો ભાવ રૂ. 1,98,500 પહોંચ્યો છે. છેલ્લા 5 દિવસમાં જ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે રૂ. 5,000નો મોટો વધારો થયો છે, જ્યારે ચાંદીમાં પણ કિલોદીઠ રૂ. 6,000નો વધારો નોંધાયો છે.
કિંમતોમાં સતત થઈ રહેલા આ ઉછાળા છતાં શહેરીજનોના ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો થયો નથી. ખરીદી કરવા આવેલા ગ્રાહકોએ જણાવ્યું હતું કે, ધનતેરસના શુભ દિવસે લક્ષ્મીજીના પ્રતિકરૂપે સોનું કે ચાંદી ખરીદવું અત્યંત પવિત્ર અને સમૃદ્ધિદાયક માનવામાં આવે છે. ભાવ વધ્યા હોવા છતાં લોકો શુકન સાચવવા માટે સુવર્ણ સિક્કા અને ઘરેણાંની ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે.
સ્થાનિક જ્વેલર્સ અને વેપારી એસોસિએશનના અંદાજ મુજબ, ધનતેરસના આ એક જ શુભ દિવસે વડોદરા શહેરમાં અંદાજે રૂ. 250 કરોડથી રૂ. 350 કરોડનું સોનું અને ચાંદી વેચાય તેવી પ્રબળ શક્યતા છે. ખાસ કરીને લાઇટવેઇટ જ્વેલરી અને ચાંદીના પૂજાપાની ભારે માંગને કારણે વડોદરાના અલકાપુરી, માંડવી અને રાવપુરા સહિતના મુખ્ય બજારો રાત સુધી ધમધમતા રહેશે.
