Gujarat Weather: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગાઢ ધુમ્મસ છવાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

એક્સપ્રેસ હાઇવે મેનેજર રાજેશ પાંડે મુજબ, આજે વહેલી સવારથી ધુમ્મસના કારણે દૃશ્યતા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. “અમે તમામ ટોલનાકાઓ અને હાઇવે સ્ટાફને એલર્ટ રાખ્યા છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 05 Nov 2025 11:12 AM (IST)Updated: Wed 05 Nov 2025 11:12 AM (IST)
dense-fog-on-vadodara-ahmedabad-express-highway-puts-motorists-in-trouble-632671

Vadodara-Ahmedabad Expressway: આજે વહેલી સવારે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગાઢ ધુમ્મસ છવાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા તરફ જતા માર્ગ પર 10 થી 15 ફૂટથી વધુ અંતર સુધી દેખાવ ન મળતા વાહન ચાલકો ધીમે ધીમે વાહન હંકારી રહ્યાં હતાં. શિયાળાની ઋતુની શરૂઆત સાથે ધુમ્મસની અસરો વધતી જોવા મળી રહી છે, જેના કારણે સવારના કલાકોમાં હાઇવે પર દૃશ્યતા અત્યંત ઓછી થઈ ગઈ હતી.

ગાઢ ઘુમ્મસ છવાયું

ધુમ્મસના કારણે કોઇ અકસ્માત ન બને તે માટે એક્સપ્રેસ વે ઓથોરિટી દ્વારા તરત જ સાવચેતીના પગલાં લેવાયા હતા. ટોલ નાકા પર લગાવાયેલા લાઉડ સ્પીકર દ્વારા સતત એનાઉન્સમેન્ટ કરીને વાહનચાલકોને ધીમે ગતિએ વાહન ચલાવવાની વિનંતી કરવામાં આવી હતી. સાથે સાથે એક્સપ્રેસ વે ઉપર મુકાયેલા ડિજીટલ ડિસ્પ્લે બોર્ડ પર પણ “Slow Down” અને “Drive Safely in Fog” જેવા મેસેજ સતત દર્શાવવામાં આવી રહ્યા હતા.

વાહન ચાલકોને મુશ્કેલી પડી

એક્સપ્રેસ હાઇવે મેનેજર રાજેશ પાંડે મુજબ, આજે વહેલી સવારથી ધુમ્મસના કારણે દૃશ્યતા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. “અમે તમામ ટોલનાકાઓ અને હાઇવે સ્ટાફને એલર્ટ રાખ્યા છે. કોઈ અકસ્માત ન બને તે માટે સતત મોનિટરિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું,” એમ તેમણે જણાવ્યું હતું.

સદભાગ્યે, ધુમ્મસ હોવા છતાં કોઈ અકસ્માતની ઘટના નોંધાઈ નથી. વાહન વ્યવહાર પણ નિયમિત રીતે ચાલુ રહ્યો હતો, જોકે વાહનચાલકોને ધીમી ગતિએ ચાલવું પડ્યું હતું. ફાસ્ટ ટેગની સેવામાં અથવા ટોલ વસૂલીમાં કોઈ ખલેલ પડી નહોતી. ધુમ્મસ મોડી સવાર સુધી યથાવત રહ્યું હતું, ત્યારબાદ સૂર્યોદય સાથે ધીમે ધીમે હળવું બન્યું હતું.

હાઇવે અધિકારીઓએ વાહનચાલકોને આગાહી આપી છે કે આવનારા દિવસોમાં શિયાળાની ઋતુને કારણે ધુમ્મસ વધી શકે છે, તેથી વહેલી સવારે અથવા રાત્રે મુસાફરી કરતા પહેલા હવામાનની સ્થિતિ ચકાસી લેવી અને પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે