Gujarat Weather Forecast Today: ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. રાત્રી દરમિયાન અનેક શહેરોમાં આછેરી ઠંડી અનુભવાઈ રહી છે. તો દક્ષિણ ગુજરાતમાં દિવાળીનો પર્વ વરસાદના કારણે બગડે તેવું હવામાન રચાયું છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 23 ઓક્ટોબર સુધી સુરત અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આજે સવારે પણ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 37.6 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર અને 17.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠડું શહેર રહ્યું છે.
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે હવામાન વિભાગે 19 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર 2025 દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, અમદાવાદમાં આગામી સમયમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આવતીકાલે શહેરમાં મહત્તમ તાપમાન આશરે 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન આશરે 22 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી રહ્યું હતું.
કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન
રાજ્યમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો, સુરેન્દ્રનગર 37.6 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારબાદ કેશોદમાં 37.3 ડિગ્રી, કંડલા પોર્ટ ખાતે 37.2 ડિગ્રી અને રાજકોટમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 36.9 ડિગ્રી, સુરત અને ભુજમાં 36.7 ડિગ્રી, વડોદરામાં 36.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું. વેરાવળ 36.3 ડિગ્રી, પોરબંદર 36.2 ડિગ્રી, નલિયા અને કંડલા એરપોર્ટ પર 36 ડિગ્રી સેલ્સિયસ ગરમી અનુભવાઈ હતી. ભાવનગર 35.7 ડિગ્રી, અમદાવાદ અને દમણમાં 35.6 ડિગ્રી, વી.વી. નગર 35.5 ડિગ્રી, મહુવા 35.4 ડિગ્રી, દ્વારકા 34.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું હતું. ઓખા સૌથી ઓછું મહત્તમ તાપમાન 31.7 ડિગ્રી સેલ્સિયસ સાથે નોંધાયું હતું.
કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન
રાજ્યમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, કચ્છનું નલિયા 17.6 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. આ ઉપરાંત, મહુવા અને કેશોદમાં 19.7 ડિગ્રી, રાજકોટમાં 20 ડિગ્રી, ડીસામાં 20.3 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 20.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 20.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. પોરબંદર 21 ડિગ્રી, અમદાવાદ 21.2 ડિગ્રી, દીવ 21.6 ડિગ્રી, વડોદરા અને વી.વી. નગરમાં 21.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું. કંડલા પોર્ટ પર 22.2 ડિગ્રી, સુરેન્દ્રનગર 22.5 ડિગ્રી, ભુજ 23.1 ડિગ્રી, ભાવનગર 23.4 ડિગ્રી અને વેરાવળમાં 23.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દ્વારકા 24.5 ડિગ્રી, સુરત 24.6 ડિગ્રી, ઓખા 24.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.