Flight cancelled: ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી-વડોદરાની બે ફ્લાઇટ રદ, મુસાફરો અટવાયા

આજે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે હવાઈ સેવા પર અસર પડી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Wed 31 Dec 2025 12:54 PM (IST)Updated: Wed 31 Dec 2025 12:54 PM (IST)
delhi-vadodara-air-india-and-indigo-flights-cancelled-due-to-dense-fog-at-the-airport-665292
HIGHLIGHTS
  • ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે હવાઈ સેવા પર અસર
  • દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટ રદ્દ કરવામાં આવી
  • એર ઈન્ડિયા અને ઈન્ડિગોની ફ્લાઈટ રદ્દ, મુસાફરો અટવાયા

Vadodara News: દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનની પરિસ્થિતિને કારણે આજે સવારે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ફ્લાઇટ્સ રદ થવાને કારણે વડોદરા એરપોર્ટ પર દિલ્હી જવા માટે રવાના થનાર મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા, અને એરપોર્ટ પર અટવાઈ ગયા હતા.

દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ, વડોદરા-દિલ્હી ફ્લાઇટ રદ્દ

પ્રાપ્ત વિગતો મુજબ ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E 6694/6695 તેમજ એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 1701/1808 આજે ખરાબ હવામાનના કારણે ઉડાન ભરી શકી નહોતી. દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ છવાઈ જતા દૃશ્યતા અત્યંત ઓછી રહી હતી, જેના કારણે સુરક્ષા કારણોસર ફ્લાઇટ ઓપરેશન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિણામે વડોદરા એરપોર્ટ પર મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી.

વડોદરાથી દિલ્હી જતા મુસાફરો અટવાયા

ફ્લાઇટ રદ થવાથી ખાસ કરીને વડોદરાથી દિલ્હી જવાના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા મુસાફરો વ્યવસાયિક કામ, સારવાર તેમજ વ્યક્તિગત કારણોસર દિલ્હી જવા રવાના થયા હતા, પરંતુ અચાનક ફ્લાઇટ રદ થવાના સમાચાર મળતા તેઓ ચિંતામાં મુકાયા હતા. એરપોર્ટ પર મુસાફરોમાં ગૂંચવણ જોવા મળી હતી.

વૈક્લ્પિક ફ્લાઇટ અને રિફંડની વ્યવસ્થા

એરલાઇન્સ દ્વારા મુસાફરોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ફ્લાઇટ રદ થવાને કારણે કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. એર ઇન્ડિયા અને ઇન્ડિગો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત મુસાફરોને આગામી ઉપલબ્ધ ફ્લાઇટમાં મોકલવામાં આવશે અથવા તો તેમની ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઈટ થઈ રદ્દ

દિલ્હી જવા ઇચ્છતા મુસાફરોને વડોદરા અથવા અમદાવાદથી દિલ્હી જતી અન્ય ફ્લાઇટમાં એડજસ્ટ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. માહિતી અનુસાર, ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હીથી વડોદરા આવનારી ફ્લાઇટમાં 64 મુસાફરો હતા, જ્યારે વડોદરાથી દિલ્હી જનાર 77 મુસાફરો નોંધાયા હતા. એર ઇન્ડિયા તરફથી મુસાફરોની ચોક્કસ સંખ્યાની યાદી જાહેર કરવામાં આવી નથી.

ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે હવાઈ સેવા પર અસર

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે હવાઈ સેવા પર વ્યાપક અસર પડી રહી છે. દિલ્હી એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે દેશભરના અનેક શહેરોના મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.