ડભોઈ રેલવે સ્ટેશન પર ACBની સફળ ટ્રેપઃ પ્રોહિબિશનના કેસમાં મોબાઈલ પરત સોંપવા રૂ. 20 હજારની લાંચ લેતા મહિલા PSI રંગેહાથ ઝડપાયા

વડોદરાના ડભોઈમાં ACBએ રેલવે પોલીસ સ્ટેશનના PSI એકતાબેન પંડ્યાને ૨૦ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા. પ્રોહિબિશન કેસમાં જપ્ત કરાયેલો મોબાઈલ પરત આપવા માટે તેમણે આ લાંચ માંગી હતી, જેના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Nov 2026 09:28 PM (IST)Updated: Tue, 17 Nov 2026 09:28 PM (IST)
dabhoi-railway-station-acb-trap-woman-psi-caught-redhanded-taking-bribe-of-rs-20000-in-prohibition-case

Vadodara: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકતાબેન પંડ્યા પ્રોહિબિશનના ગુનામાં જપ્ત કરાયેલ મોબાઈલ ફોન પરત આપવાના બદલામાં 20 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

હકીકતમાં ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશનનો એક ગુનો નોંધાયો હતો, જેમાં તેમનો મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યો હતો. આ ગુનાના સંબંધમાં ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા અને ત્યારબાદ જામીન હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેઓ ડભોઈ રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

પ્રોહિબિશનના ગુનામાં ફરિયાદીનો જપ્ત મોબાઈલ પરત સોંપવા 20 હજાર માંગ્યા હતા

પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા જ PSI એકતાબેન પંડ્યાએ જપ્ત કરાયેલ મોબાઈલ ફોન ફરિયાદીને પરત સોંપવાની શરતે 20 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ મામલે તુરંત જ ACBનો સંપર્ક કરી સમગ્ર મામલે વડોદરા ACB યુનિટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે ACBની ટીમ દ્વારા ડભોઈ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુપ્ત છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ યોજના મુજબ જ્યારે PSI એકતાબેન પંડ્યાએ ફરિયાદી પાસેથી નક્કી કરેલી લાંચની 20 હજાર રૂપિયાની રકમ સ્વીકારી, ત્યારે જ ACBની ટીમે સ્થળ પર જ દરોડો પાડીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

કાર્યવાહી દરમિયાન ACBની ટીમે લાંચ પેટે માંગવામાં આવેલી અને સ્વીકારવામાં આવેલી સંપૂર્ણ 20 હજાર રૂપિયાની રોકડ રકમ પણ સફળતાપૂર્વક રિકવર કરી લીધી છે. એસીબી દ્વારા આરોપી PSI વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બનાવને લઈને સમગ્ર પંથકમાં અને પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા પોલીસ અધિકારી જ જો લાંચ લેતા પકડાય, તો સામાન્ય જનતામાં ખોટો સંદેશ જાય છે. એસીબીની આ સરાહનીય કામગીરીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.