Vadodara News:વડોદરામાં સાયબર ફ્રોડ: પેન્શન કાર્ડ ચાલુ કરાવવાના બહાને 68 વર્ષના નિવૃત્ત કર્મચારી સાથે રૂપિયા 78941ની છેતરપિંડી

Vadodara News: વડોદરાના હરણી વિસ્તારમાં સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બેંક અધિકારી તરીકેની ઓળખ આપીને 68 વર્ષીય નિવૃત્ત કર્મચારી સાથે રૂ. 78941ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 05 Oct 2026 05:03 PM (IST)Updated: Mon, 05 Oct 2026 05:03 PM (IST)
cyber-fraud-in-vadodara-68yearold-retired-employee-defrauded-of-rs-78941-under-the-pretext-of-reactivating-a-pension-card
Stock Market Investment Fraud

Vadodara News: વડોદરાના હરણી વિસ્તારમાં સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બેંક અધિકારી તરીકેની ઓળખ આપીને 68 વર્ષીય નિવૃત્ત કર્મચારી સાથે રૂ. 78941ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે. હરણી પોલીસે અજાણ્યા સાયબર ઠગ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, હરણી મોટનાથ રોડ વિસ્તારમાં રહેતા 68 વર્ષીય નિવૃત્ત કર્મચારી રમેશચંદ્ર પટેલને તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે ICICI બેંકમાંથી 'પ્રશાંતજીત સરકાર' નામના અધિકારી તરીકે બોલતો હોવાની ઓળખ આપી હતી. ઠગે રમેશચંદ્રને વિશ્વાસમાં લઈ તેમનું 'પેન્શન કાર્ડ' ચાલુ કરાવવાની લાલચ આપી હતી અને માહિતી આપવાના બહાને તેમના વોટ્સએપ પર એક લિંક મોકલી હતી.

વૃદ્ધે આ લિંક ઓપન કરતાં ICICI બેંક જેવું જ દેખાતું એક વેબપેજ ખૂલ્યું હતું, જેમાં તેમણે પોતાનું નામ અને મોબાઈલ નંબર જેવી અંગત વિગતો ભરી હતી. જોકે, પેજ પર બેંકનો ગુપ્ત પિન માંગવામાં આવતાં વૃદ્ધને શંકા ગઈ હતી અને તેમણે પિન દાખલ કર્યો ન હતો. પરંતુ થોડીવારમાં પોતાનો મોબાઈલ હેક થયો હોવાનો અહેસાસ થતાં તેમણે તુરંત તે અજાણ્યો નંબર બ્લોક કરી દીધો હતો.

બીજા દિવસે જ્યારે તેમણે બેંકની અધિકૃત એપ્લિકેશનમાં જઈને પોતાના ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ ચકાસ્યું ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમના ક્રેડિટ કાર્ડમાંથી તા. ૨૯ સપ્ટેમ્બરે રૂ. ૩૯,૭૩૬ અને રૂ. ૩૯,૨૦૫ના બે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ ચૂક્યા હતા. આમ, તેમની જાણ બહાર કુલ રૂ. ૭૮,૯૪૧ની રકમ ઉપાડી લેવાઈ હતી.

બેંકમાં રૂબરૂ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે આ રકમ 'સ્વિગી ઇન્સ્ટામાર્ટ' મારફતે વપરાઈ હતી. બનાવ અંગે વૃદ્ધે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ હરણી પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ અપાતાં પોલીસે અજાણ્યા મોબાઈલ નંબર ધારક તથા રકમનો ઉપયોગ કરનાર ઠગ સામે ગુનાહિત છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.