Christmas 2025: નાતાલના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના બજારોમાં ક્રિસમસની ખરીદીનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય શોપિંગ સેન્ટરો જેવા કે અલકાપુરી, ફતેગંજ, કાલાઘોડા અને ન્યૂ VIP રોડ વિસ્તારમાં સવારથી સાંજ સુધી ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રંગબેરંગી રોશની અને ક્રિસમસના ગીતો સાથે બજારો તહેવારી રંગે રંગાયા છે.

ક્રિસમસ ટ્રીની માંગમાં તોતિંગ ઉછાળો
આ વર્ષે બજારમાં સૌથી વધુ માંગ ક્રિસમસ ટ્રીની જોવા મળી રહી છે. વેપારીઓએ ગ્રાહકોની પસંદગી મુજબ નાની ઓફિસ ડેસ્કથી લઈને મોટા બંગલા કે મોલ માટેના વિશાળ ટ્રીનો સ્ટોક રાખ્યો છે. સાદા અને ફેન્સી ક્રિસમસ ટ્રી રૂ. 200 થી શરૂ થઈને રૂ. 15,000 સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે. ટ્રીને શણગારવા માટેના સ્ટાર્સ, બોલ્સ, બેલ્સ, કલરફુલ રિબન અને સ્નો-ફ્લેક્સ જેવી એક્સેસરીઝનું વેચાણ પણ તેજ બન્યું છે.
આ પણ વાંચો

ડાન્સિંગ સાન્તા અને આકર્ષક લાઈટિંગ
બાળકોમાં સાન્તાક્લોઝ પ્રત્યેનો ક્રેઝ હંમેશા વધુ હોય છે. આ વખતે બજારમાં ડાન્સ કરતા અને સંગીત વગાડતા સાન્તાક્લોઝના સ્ટેચ્યુ ખાસ આકર્ષણ જમાવી રહ્યા છે, જેની કિંમત રૂ. 500 થી રૂ. 14,000 સુધી છે. આ ઉપરાંત, ઘરની સજાવટ માટે આધુનિક લાઈટિંગ સિરીઝ (રૂ. 150 થી 1700) અને ચમકતા સ્ટાર્સ (રૂ. 100 થી 1600) ની ધૂમ ખરીદી થઈ રહી છે.

ગિફ્ટ આર્ટિકલ્સ અને નવું વર્ષ
નાતાલની સાથે જ નવા વર્ષના આગમનની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ગિફ્ટ આર્ટિકલ્સના વેપારીઓના જણાવ્યા મુજબ, લોકો એકબીજાને શુભેચ્છા પાઠવવા માટે પર્સ, વોચ, પરફ્યુમ અને ચોકલેટ ગિફ્ટ બોક્સની મોટાપાયે ખરીદી કરી રહ્યા છે. સાન્તાક્લોઝના ડ્રેસ અને કેપ (ટોપી) ની પણ શાળાઓ અને ખાનગી પાર્ટીઓના કારણે મોટી માંગ છે.

વેપારીઓમાં ઉત્સાહ
છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે ગ્રાહકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેપારીઓને આશા છે કે આગામી બે-ત્રણ દિવસોમાં એટલે કે નાતાલની પૂર્વસંધ્યા સુધી વેચાણમાં હજુ પણ મોટો ઉછાળો આવશે. મોંઘવારી હોવા છતાં લોકો પરિવાર સાથે તહેવારની ખુશીઓ મનાવવા માટે હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે.


