Mayor Election And Bakri Eid Holiday: રાજ્ય સરકાર દ્વારા બકરી ઈદની જાહેર રજાની તારીખમાં ફેરફાર કરવામાં આવતા જ વડોદરા સહિત રાજ્યની 7 મહાનગરપાલિકામાં આગામી 28મી મેના રોજ યોજાનારી મેયર સહિતના પદાધિકારીઓની વરણીની સભાને લઈને ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ 28 મેના રોજ જ આ મહત્વની ચૂંટણી યોજાવાની છે,પરંતુ હવે એ જ દિવસે જાહેર રજા આવી પડતાં વહીવટી તંત્ર મૂંઝવણમાં મુકાયું છે.
અગાઉના સરકારી કેલેન્ડર મુજબ 27 મેના રોજ બકરી ઈદની રજા જાહેર થયેલી હતી, જેથી 28 તારીખે કામકાજનો દિવસ હોવાથી કોઈ ટેકનિકલ અડચણ ન હતી. પરંતુ બીજના ચાંદના દર્શનના આધારે રાજ્ય સરકારે બકરી ઈદની રજા સુધારીને હવે 28 મેના રોજ જાહેર કરી દીધી છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા તો આ અંગેનો સત્તાવાર એજન્ડા પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો હતો અને 28 મેના રોજ સવારે 11 કલાકે ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની વડી કચેરી ખાતે આ બેઠકનું આયોજન પણ પાકું થઈ ગયું હતું.આ ફેરબદલના કારણે હવે મેયરની વરણીના દિવસે જ સરકારી રજા આવી ગઈ છે.
કમિશનર ખાસ સત્તાનો ઉપયોગ કરી શકે છે
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આ મામલે રાજ્ય સરકારનો લેખિત અભિપ્રાય માંગી શકે છે કે રજાના દિવસે સભા યોજવી કાયદાકીય રીતે યોગ્ય રહેશે કે નહીં. જો રાજ્ય સરકાર તરફથી તારીખ લંબાવવાની કોઈ સૂચના નહીં મળે, તો મ્યુનિસિપલ કમિશનર પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને પૂર્વ નિર્ધારિત એજન્ડા મુજબ 28 મેના રોજ જ વરણી પ્રક્રિયા યથાવત રાખી શકે છે.
20 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન થશે?
પાલિકાના ઈતિહાસ પર નજર કરીએ તો જાહેર રજાના દિવસે બોર્ડની સભા મળવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. આ પૂર્વે આજથી બરાબર બે દાયકા પહેલા, એટલે કે 25 ડિસેમ્બર 2005ના રોજ નાતાલના તહેવારની જાહેર રજા હોવા છતાં પાલિકાના નવનિયુક્ત બોર્ડની પ્રથમ સામાન્ય સભા મળી હતી. હવે જો સરકાર આ વખતે પણ તારીખમાં કોઈ ફેરફાર નહીં કરે, તો 20 વર્ષ બાદ ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થશે. હાલ તો પાલિકાના સત્તાધીશો સરકારના આદેશની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
