વડોદરામાં છઠ પૂજાની ભવ્ય ઉજવણી, નદી-તળાવ કાંઠે બે દિવસમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અર્ઘ્ય અર્પણ કરશે

પૂર્વાંચલ લોકહિત મંડળ દ્વારા સંચાલિત મુખ્ય 4 થી 5 ઘાટો પર જ આશરે દોઢ લાખ જેટલા ભાવિકો એકત્ર થશે. શહેરના બાપોદ તળાવને આ મહોત્સવનું મુખ્ય મથક બનાવવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 15 Nov 2026 11:26 AM (IST)Updated: Sun, 15 Nov 2026 11:26 AM (IST)
chhath-puja-in-vadodara-over-3-lakh-devotees-to-offer-prayers

Vadodara News: સૂર્યદેવ અને છઠી મૈયાની આરાધનાના મહાપર્વ 'છઠ પૂજા'ની આજે સમગ્ર વડોદરા શહેરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. શહેરમાં વસતા બિહારી, પૂર્વાંચલ અને ઉત્તર ભારતીય સમાજ માટે વિશેષ ધાર્મિક મહત્વ ધરાવતા આ પર્વને લઈને વડોદરાના વિવિધ જળાશયો અને નદી કાંઠાના ઘાટો પર ભક્તિમય માહોલ છવાયો છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ દરમિયાન શહેરભરમાંથી 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ વિવિધ ઘાટો પર ઉમટી પડશે.

4 થી 5 ઘાટો પર જ લાખો ભાવિકો એકત્ર થશે

આયોજક સમિતિઓના જણાવ્યા મુજબ, પૂર્વાંચલ લોકહિત મંડળ દ્વારા સંચાલિત મુખ્ય 4 થી 5 ઘાટો પર જ આશરે દોઢ લાખ જેટલા ભાવિકો એકત્ર થશે. શહેરના બાપોદ તળાવને આ મહોત્સવનું મુખ્ય મથક બનાવવામાં આવ્યું છે, જ્યાં અસ્તાચલગામી અને ઉદયમાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાની સાથે 24 કલાક અખંડ રામધૂન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, કમલાનગર તળાવ ખાતે પૂર્વાંચલ હિત રક્ષક સમિતિ દ્વારા કરાયેલા આયોજનમાં અંદાજે 10 હજાર શ્રદ્ધાળુઓ જોડાશે.

મહીસાગર નદીના તટે કોટના બીચ ખાતે ભવ્ય છઠ મહોત્સવ યોજાશે

બીજી તરફ, બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા આજે 15અને આવતીકાલે 16 નવેમ્બરના રોજ મહીસાગર નદીના તટે કોટના બીચ ખાતે ભવ્ય છઠ મહોત્સવ યોજાઈ રહ્યો છે. સ્થાનિક પ્રશાસનના સહયોગથી કોટના બીચ પર અત્યાર સુધીનો સૌથી વિશાળ અસ્થાયી છઠ ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ એકસાથે સૂર્યદેવની ઉપાસના કરી શકશે. કોટના બ્રિજ અને અન્ય તળાવોને પણ આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે.

આજે 'સંધ્યા અર્ધ્ય' અને આવતીકાલે 'ઉષા અર્ધ્ય' સાથે પર્વની પૂર્ણાહુતિ થશે

ઉલ્લેખનીય છે કે, ચાર દિવસીય આ કઠિન મહાવ્રતમાં 'નહાય-ખાય' અને 'ખરના' બાદ આજે 'સંધ્યા અર્ધ્ય' અને આવતીકાલે 'ઉષા અર્ધ્ય' સાથે પર્વની પૂર્ણાહુતિ થશે. કોઈપણ પુરોહિત વિના વ્રતધારીઓ ૩૬ કલાકના કઠોર નિર્જલા ઉપવાસ રાખી પરિવારની સુખ-શાંતિ અને આરોગ્યની મનોકામના કરે છે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે સ્વયંસેવકો અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા તથા વ્યવસ્થાની ચુસ્ત તૈયારીઓ કરવામાં આવી છે.