Baroda Dairy Milk Price H: અમૂલ ડેરી દ્વારા તાજેતરમાં દૂધના ભાવમાં કરાયેલા વધારા બાદ હવે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (બરોડા ડેરી) દ્વારા પણ ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધારતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બરોડા ડેરીએ તેના વિવિધ દૂધના વેચાણ ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા સુધીનો વધારો કર્યો છે, જે ગત 13 નવેમ્બરથી સમગ્ર વડોદરા અને આસપાસના વિસ્તારોમાં અમલી બની ગયો છે. મોંઘવારીના આ સમયમાં દૂધના ભાવ વધવાથી સામાન્ય પરિવારના રસોડાનું બજેટ વધુ વેરવિખેર થઈ ગયું છે.
બરોડા ડેરીએ જાહેર કર્યો નવો ભાવ
બરોડા ડેરી દ્વારા કરવામાં આવેલા આ નવા ભાવ વધારા મુજબ, ગ્રાહકોમાં સૌથી વધુ લોકપ્રિય એવા અમૂલ ગોલ્ડ દૂધના 500 મિલી પાઉચનો જૂનો ભાવ 35 રૂપિયા હતો, જે વધારીને હવે 37 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. એટલે કે એક લિટરે સીધા 4 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તેવી જ રીતે, અમૂલ શક્તિ દૂધ પાઉચનો ભાવ પણ અગાઉ 32 રૂપિયા હતો, જેમાં 2 રૂપિયાનો વધારો કરીને હવે 34 રૂપિયા પ્રતિ 500 મિલી કરવામાં આવ્યો છે.
પશુ પાલકો માટે રાહતના સમાચાર
એક તરફ જ્યાં ગ્રાહકો દૂધ મોંઘું થવાથી ચિંતિત છે, તો બીજી તરફ ડેરી સંચાલકો દ્વારા દૂધ ઉત્પાદક ખેડૂતો અને પશુપાલકો માટે રાહતરૂપ જાહેરાત પણ કરવામાં આવી છે. પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા અને તેમને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુસર, ડેરીએ દૂધ ઉત્પાદકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલોફેટે પૂરા 30 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે. ડેરી સત્તાધીશોનું માનવું છે કે ઘાસચારા અને પશુપાલનનો ખર્ચ સતત વધી રહ્યો હોવાથી ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવી અનિવાર્ય બની ગઈ હતી.
મધ્યમ વર્ગીય પરિવારોને આર્થિક માર
ઉલ્લેખનીય છે કે, તહેવારોની સિઝન પૂરી થયા બાદ તરત જ ડેરી દ્વારા લેવાયેલા આ નિર્ણયોથી સામાન્ય જનતા અને મધ્યમ વર્ગીય પરિવારોમાં આર્થિક બોજ વધ્યો છે. અગાઉ અમૂલ ડેરીએ પણ ભાવ વધારો કર્યો હતો અને હવે બરોડા ડેરીએ પણ તેને અનુસરતા શહેરી ગ્રાહકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. જોકે, ડેરી પ્રશાસનનું એવું તર્ક છે કે પશુપાલકોની સક્ષમતા જાળવી રાખવા માટે બજારની વર્તમાન પરિસ્થિતિ મુજબ આ ભાવ વધારો કરવો અનિવાર્ય હતો.
