Anand: રાજકીય મહત્વકાંક્ષા અને પક્ષની આંતરિક જૂથબંધીમાં નેતાઓ કઈ હદ સુધી જઈ શકે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો આણંદ અને વડોદરા પંથકમાં પ્રકાશમાં આવ્યો છે.
આણંદ પોલીસે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના નકલી અધિકારી બનીને પોતાના જ પક્ષના કાર્યકરને ધમકી આપવાના ગંભીર ગુનામાં વડોદરા શહેર આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ અશોક ઓઝા અને તેમના સાથીદારની ધરપકડ કરી છે. આ હાઈપ્રોફાઈલ ધરપકડ બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.
વધતા વર્ચસ્વથી ડરીને રચાયું કાવતરું
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આમ આદમી પાર્ટીના મોવડી મંડળ દ્વારા થોડા સમય પહેલાં કેશવજી ચૌહાણ નામના સનિષ્ઠ કાર્યકરને પક્ષના સંગઠનને મજબૂત કરવાના હેતુથી વડોદરા મોકલવામાં આવ્યા હતા. વડોદરા શહેર ‘આપ’ના પ્રમુખ અશોક ઓઝા કેશવજીને પોતાના રાજકીય હરીફ માનતા હતા.
કેશવજી ચૌહાણનું વડોદરામાં વધતું વર્ચસ્વ અશોક ઓઝાને ખૂંચતું હતું. પોતાના રાજકીય અસ્તિત્વ પર ખતરો જણાતા, ઓઝાએ કેશવજીને વડોદરામાંથી કાયમ માટે ભગાડી મૂકવા માટે એક પૂર્વ આયોજિત ખતરનાક કાવતરું ઘડી કાઢ્યું હતું.
ડિજિટલ માધ્યમથી નકલી IB ઓફિસર બની ધમકી આપી
આ કાવત્રાના ભાગરૂપે, અશોક ઓઝાએ પોતાના સાથીદાર નીતિન ધીરૂભાઇ ડાંગરીયા (રહે. આણંદ, મૂળ જેતપુર)નો સંપર્ક કર્યો હતો. નીતિને આઈબી (IB)ના મોટા અધિકારી હોવાનો સ્વાંગ રચીને કેશવજી ચૌહાણને ફોન કર્યો હતો.
ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરીને નીતિને કેશવજીને ગંભીર પરિણામો ભોગવવાની અને વડોદરા છોડી દેવાની ધમકીઓ આપી હતી. જોકે, આ સમગ્ર વાતચીતનો ઓડિયો-વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ જતાં સમગ્ર ખેલ ઊંધો પડ્યો હતો.
પોલીસ એક્શનમાં, કેજરીવાલનું ટ્વીટ
આ ચકચારી વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો અને મામલો ગંભીર બનતાં આણંદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. બીજી તરફ, આ વિવાદ દિલ્હી સુધી પહોંચતાં ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ આ બાબતે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેને પગલે મામલો વધુ ગરમાયો હતો.
આણંદ પોલીસે ખોટી ઓળખ ધારણ કરવા અને ધમકાવવા બદલ ડિજિટલ પુરાવાઓના આધારે વડોદરા શહેર ‘આપ’ પ્રમુખ અશોક ચંદ્રકાંતભાઇ ઓઝા અને નીતિન ડાંગરીયા વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લીધી છે અને આ કાવતરામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
